ગાંધીધામમાં જનસંવાદ: સેવા સેતુમાં લોકોની વચ્ચે મુખ્યમંત્રી

સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ સંકલ્પ હોવાનું કહ્યું

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા દ્વારા 12 તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ગાંધીધામ ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિવિધ વિભાગો દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ કેવી રીતે મળી રહ્યો છે તે અંગે લાભાર્થીઓ પાસેથી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે અનેક લાભાર્થીઓને પી.એમ. આવાસ યોજના, પી. એમ. સ્વનિધી યોજના, ફ્રી શીપ કાર્ડ, આયુષ્માન ભારત સહિતની યોજનાકીય સહાયના હુકમો અને મંજૂરી પત્રોનું વિતરણ પણ કર્યું હતું. આ સાથે રામ કૃષ્ણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરી હતી.
લાભાર્થીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી શ્રી પટેલએ જણાવ્યું હતું કે, “સરકાર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે. સેવા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર જાતે લોકોના આંગણે જઈને તેમના કામો કરે છે. છેવાડાના માનવીને યોજનાનો લાભ મળે અને કોઈ પણ નાગરિક સરકારી સેવાથી વંચિત ન રહે તે જ અમારો સંકલ્પ છે.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાસંદ વિનોદભાઈ ચાવડા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી. ડી. ડાવેરા, કચ્છ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા મહામંત્રી ધવલભાઈ આચાર્ય સહિત પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.