કંડલા ઇ-મિથેનોલ પ્રોજેક્ટ દેશના ગ્રીન એનર્જીના વિઝનને આપશે નવી દિશા

ગાંધીધામ ખાતે ૨૩૦૦ કરોડના ખર્ચે ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગાંધીધામ ખાતે ૨૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કાર્યક્રમ DPA એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીધામ ખાતે યોજાયો હતો.‌ આ પ્રોજેક્ટ આગામી સમયમાં ભારતના ગ્રીન એનર્જીના વિઝનને નવી દિશા આપશે. પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલે શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર સેવા સમર્પણ અને જનસેવા સાધનાના ૨૫ વર્ષ ૭મી ઓક્ટોબરે પૂર્ણ થવાના છે. વડાપ્રધાનએ સરકારના વડા તરીકે સતત અને સૌથી વધુ સમય સેવારત રહેવાનો અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ સફળતા લોકો સુધી પહોંચાડવા દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યું છે. ઈ-મિથેનોલ પ્લાન્ટ વિશે જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દીનદયાળ પોર્ટ ખાતે દેશની ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન શિપિંગને નવી દિશા આપતા પ્રોજેક્ટનો શિલાન્યાસ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતની મેરિટાઈમ સ્ટ્રેન્થ અને આસામની ઈન્ડસ્ટ્રીયલ કેપિસિટીનું સંયોજન છે અને તે એક ભારત – શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાનના વિઝનને પ્રતિબિંબિત કરે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પ્રોજેક્ટના વિઝન અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આ પ્રોજેક્ટનું સૌથી મોટું મહત્વ માત્ર તેના રોકાણમાં નહિ પરંતુ તેની પાછળ રહેલા પર્યાવરણીય સંકલ્પમાં છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનના પંચામૃત દ્વારા ૨૦૭૦ સુધીમાં નેટ-ઝીરો તરફ આગળ વધવાના સંકલ્પના વિઝનને સ્પષ્ટ કરે છે.
આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમાએ બંને રાજ્યોના ઔદ્યોગિક સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આ ઈ-મિથેનોલ પ્રોજેક્ટને દેશ માટે એક ખૂબ મહત્વપૂર્ણ અને મોટી ઉપલબ્ધિ છે. આ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં વધુ વિસ્તરિત થશે અને દેશ વિદેશના જહાજો માટે જરૂરી ઈંધણ અને ઊર્જાને ગ્રીન મિથેનોલમાં રૂપાંતરિત કરવામાં મદદ કરશે.
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેલ્લાં ૧૨ વર્ષથી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વિઝન હેઠળ દેશની જનતાને એકજૂટ કરીને ભારતમાતાની સેવામાં સમર્પિત ભાવથી કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દુનિયાની એક મોટી અને શક્તિશાળી અર્થવ્યવસ્થા બની છે. ઈ-મિથેનોલ પ્લાન્ટથી અસમ અને ગુજરાત વચ્ચે એક મજબૂત સંબંધ સ્થપાશે અને ભારત સરકારની સંસ્થાઓ સાથે મળીને દેશના અર્થતંત્રને નવી દિશા આપશે. પોર્ટની ક્ષમતા અને વિઝન વિશે માહિતી આપતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી ચેરમેન સુશીલ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, આજનો દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન ઊર્જાના વિઝનને‌ સાકાર કરતો દિવસ‌ છે. આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ બબિકુલ ડેકાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઈ-મિથેનોલ પ્લાન્ટ એ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરીને ભારતમાં જ જહાજોની ફ્યૂઅલના ઉત્પાદનની નવી દિશાઓ ખોલશે. હોર્મૂઝ જેવી કટોકટીની સ્થિતિમાં પણ ઘરેલું ગ્રીન ફ્યુઅલ ઉત્પાદન રાષ્ટ્રના વિકાસમાં મહત્વનો રોલ અદા કરશે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી.ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત પદાધિકારીઓ, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, બંદર પ્રશાસનના અધિકારીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.