રાજકીય ઘટનામાં એક પછી એક પાના ખુલતા જતા ચકચાર
દુનિયામાં સૌથી મોટા રાજકીય પક્ષ અને શિસ્તબધ્ધ છાપવાળા ભાજપના અંજાર શહેર એકમમાં વહીવટ સાથેના આરોપ સહિતની રજૂઆતવાળા પત્રએ જબ્બર રાજકીય ચર્ચા જગાવી છે. આ વચ્ચે શુક્રવારે આ પત્રોના સમર્થનમાં અન્ય ત્રણ પત્ર પણ ફાઈલોમાંથી બહાર આવીને વાયરલ થતા આ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
ગુરુવારે અંજાર નગરપાલિકાના ત્રણ જવાબદાર હોદેદારોની સહીવાળા પત્રએ આ સમગ્ર મામલાને બહાર લાવવાની ભૂમિકા ભજવી હતી. આ પછી શુક્રવારે નગરપાલિકાના અન્ય ત્રણ જવાબદાર પદાધિકારીએ કરેલી રજૂઆતોવાળા પત્ર પણ બહાર આવીને વાયરલ થયા છે. અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રકાશ રવિલાલ લોદરીયા, શાસક મક્ષના નેતા આશિષ સી. ઉદવાણી અને સુધરાઇના ઉપપ્રમુખ પરેશ ધનજીભાઈ માલસતર દ્વારા પક્ષના શહેર સંગઠન પાસે કરવામાં આવેલી રજૂઆતના પત્ર અગાઉના પત્રના સમર્થનમાં જાણે બહાર આવ્યા છે દિવસો દિવસ રાજકીય રંગ પકડતા જતા આ કિસ્સામાં ત્રણ જવાબદાર પદાધિકારીએ સંગઠન સમક્ષ કરેલી લેખિત રજૂઆત પુરાવા સ્વરૂપે બહાર આવતા સંગઠને પક્ષના જિલ્લા પ્રમુખને પત્ર લખીને જે સ્ત્રોતની વિગતો આપી હતી તે સાચી હોવાનું લાગી રહ્યું છે.
શાસક પક્ષન નેતા, કારોબારી ચેરમેન અને ઉપપ્રમુખ દ્વારા અંજાર શહેર ભાજપના પ્રમુખને ઉદેશીને લખાયેલા અલગ અલગ આ ત્રણેય પત્રમાં નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા વહીવટ સાથે નિયમ વિરૂધ્ધની અને પક્ષે જેના માટે મનાઈ ફરમાવી છે તેવી ફંડફાળા સહિતની પ્રવૃત્તિ કરાઈ રહી હોવાની વિગતો રજૂ કરાઈ છે. દરમિયાન એક પછી એક બહાર આવતી જતી આ પત્રની શ્રેણીને લઈને રાજકીય વર્તુળોમાં એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે પત્રો બહાર પડાઈ રહ્યા છે કે પડી રહ્યા છે. તો બીજી બાજુ વિશ્લેષકો આ સમગ્ર મામલાની મુલવણી 2027ની ચૂંટણી સાથે કરી રહ્યા છે પક્ષનું જિલ્લા એકમ કેવા અને કોની સામે પગલા લે છે તેના ઉપર સૌની રાજકીય મીટ મંડાઈ છે.

