કચ્છ જળ સંચય અભિયાને વ્યક્ત કરી ચિંતા
જળના સંચય અને જતન ક્ષેત્રે કાર્યરત કચ્છ જળસંચય અભિયાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કચ્છના તળાવો અને ડેમોમાં અત્યારે માત્ર 25 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જે ઉનાળા સુધી પણ ચાલે તેમ નથી. બેફામ બોરને કારણે તળમાં પણ પાણી રહ્યું નથી. આ સ્થિતિ ચિંતાજનક છે.
કચ્છ ભૌગોલિક રીતે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા છે અને ત્યાં સૌની યોજના સફળતાપૂર્વક અમલમાં આવી છે, જ્યારે એક જિલ્લો હોવા છતાં કચ્છમાં સૌની યોજના આજ સુધી અમલમાં આવી નથી, જે કચ્છ સાથે અન્યાય સમાન છે. તેમ અભિયાનના કન્વીનર મુંબઈ સ્થિત કચ્છી અગ્રણી મૂળ નેત્રાના વતની કિશોર ચંદનએ જણાવ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ 2001ના ભૂકંપ વખતે કચ્છના મોટાભાગના ડેમોને નુકસાન થયું હતું. નોંધપાત્ર વાત એ છે કે 1978 પછી કચ્છમાં માત્ર એક જ નવો ડેમ બન્યો છે.
કચ્છમાં આજે પશુપાલન અને ઉદ્યોગો સતત વધી રહ્યા છે, પરંતુ પાણીની જવાબદારીમાં ઉદ્યોગો અને પવનચક્કીના માલિકો સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. કચ્છની ધરતી પર લાગેલી હજારો પવનચક્કી કે ઉદ્યોગોમાંથી એક પણ કચ્છના મૂળ વતની નથી. તેવી વિગતો પણ તેમણે આપી હતી.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કચ્છને મદદ કરવા તૈયાર છે. કચ્છના 6 ધારાસભ્ય, સૌરાષ્ટ્રના 56 ધારાસભ્ય અને બાકીના 130 ધારાસભ્ય જો એક સાથે અવાજ ઉઠાવે તો કચ્છનો પાણીનો પ્રશ્ન કાયમી ઉકેલાઈ શકે. તેવી લાગણી શ્રી ચંદનએ વ્યક્ત કરી હતી. અભિયાને આ તબક્કે કરેલી મુખ્ય માગણીઓ નર્મદાનું પાણી કચ્છને ગ્રેવીટીથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. નર્મદા માટે ડબલ પાઈપલાઈન નાખવામાં આવે. સૌની યોજનાનો લાભ કચ્છને પણ આપવામાં આવે. જૂના ડેમોનું સમારકામ અને નવા ડેમ બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે વગેરે દોહરાવી હતી.

