ખેતીના પાકને ક્ષતિ સાથે જળસંકટ સર્જાવાની પણ વકી
ગુજરાત રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયના એંધાણ મળવા વચ્ચે કચ્છમાં અત્યાર સુધી માત્ર 29 ટકા જ વરસાદ થયો હોવાથી ખેડૂતો સાથે સામાન્ય વ્યક્તિની ચિંતા વધી. છે.
કચ્છમાં ગત વર્ષે 74.63 ટકા સામે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 45.38 ટકા વરસાદ નોંધાયો હોવાના આંકડા બહાર આવ્યા છે.
જિલ્લામાં વાગડ સિવાય કચ્છમાં મેઘરાજાની નબળી હાજરી અત્યાર સુધી ચાલુ ઋતુમાં રહી છે. તો પશ્ચિમ કચ્છમાં સ્થિતિ વધુ ચિંતાજનક જોવા મળી રહી છે.
અત્યાર સુધી અબડાસામાં માત્ર 47 મીમી, અંજારમાં 97 મીમી અને લખપતમાં 75 મીમી વરસાદ નોંધાયો છે. તો માંડવીમાં 91 મીમી, મુન્દ્રામાં 148 મીમી અને નખત્રાણામાં 135 મીમી વરસાદ નોંધાયો હોવાની વિગતો સતાવાર રીતે બહાર આવી છે.
જિલ્લા મથક ભુજ વિસ્તારમાં 156 મીમી, ગાંધીધામમાં 159 મીમી અને ભચાઉમાં 190 મીમી વરસાદ વરસ્યો છે. વાગડના રાપરમાં સૌથી વધુ 364 મીમી વરસાદ થયો છે.
આગામી એક સપ્તાહ સુધી કચ્છમાં વરસાદની કોઈ આગાહી નહીં હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. અલબત સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ રહી છે.
વરસાદની અછત વચ્ચે કચ્છમાં પાણીની સમસ્યા અને પશુઓ માટે ઘાસચારાની ચિંતા વધશે તેવો ભય પણ સતાવી રહ્યો છે. કચ્છમાં હાલ માત્ર 9 ટકા જેટલું પાણી ઉપલબ્ધ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ પણ નકારી શકાય તેમ નથી.
બીજીબાજુ વરસાદ ખેંચાતા કચ્છમાં આશરે 4.50 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા વાવેતર પર પણ જોખમ ઉભું થવા લાગ્યું છે. સમયસર પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા પણ જોવા મળી રહી છે.
અપૂરતા વરસાદ વચ્ચેની આ સમગ્ર સ્થિતિના કારણે પશુપાલકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

