સર્વગ્રાહી તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ અહેવાલ ખોલશે રાઝ
ગાંધીધામમાં ભારતનગર વિસ્તારના સોનલનગરમાંથી 3 થી 4 દિવસ પહેલા મૃત્યુ પામેલી મનાતી યુવતીનો મૃતદેહ મળી ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ મીનાક્ષી પરિહાર હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ મરનાર યુવતી ગાંધીધામના તનિષ્ક શોરૂમમાં નોકરી કરતી હતી. આ બનાવ હત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે અંગે શરૂઆતી તબક્કે સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફોજદાર કે.એન. વાઢેર સહિતના પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો પોસ્ટમોર્ટમ અહેવાલ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ પોલીસે કહ્યું હતું. દરમ્યાન મોડેથી મળતી વિગતો અનુસાર ૨૪ વર્ષિય યુવતી મીનાક્ષીની લાશના આ મામલામા હત્યા થઈ હોવાની આશંકા ઉભી થઈ રહી છે. મૃતકના રૂમને બહારથી કોઈ તાળું મારી ગયું હતું તો માથે ચાદર ઓઢાડેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેવી વિગતો સપાટી ઉપર આવી છે. માહિતીગાર સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક સાથે બે ત્રણ દિવસથી કોઈ અજાણ્યો યુવક ઘરમાં જોવા મળ્યો હતો. આ યુવક કોણ હતો તે અંગે હજુ સૌ અજાણ રહ્યા છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થયાં બાદ પોલીસની તપાસની આગળની દિશા નક્કી થાય તેમ હોવાની વિગતો અપાઈ હતી

