પાટવાડી શાળા, ભુજ ખાતે નિવૃત્ત શિક્ષકો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનુંયે બહુમાન
કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક નિધિ ટ્રસ્ટ દ્વારા પાટવાડી શાળા, ભુજ ખાતે શિક્ષક સંતાનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષક સંતાનોનું અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન અને ઇનામના દાતા તરીકે પરેશભાઈ ગુજરાતી રહ્યા હતા. આમંત્રિત મહેમાનો તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય રશ્મિભાઈ ઠક્કર, જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ ઘનશ્યામસિંહ તથા કાર્યાધ્યક્ષ મયૂરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હોવાનું સંસ્થા ના પ્રવક્તા દિનેશભાઇ શાહ (માંડવી)એ જણાવ્યું હતુ.
સંસ્થાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાએ શિક્ષક સંતાનોની સિદ્ધિઓને બિરદાવી હતી. કાર્યક્રમની વ્યવસ્થામાં પ્રજ્ઞેશ છાયા અને હિતેન સોલંકીએ યોગદાન આપ્યું હતું. ટ્રસ્ટના મંત્રી રાજેશ રાજગોર અને હિતેન્દ્ર રાવલે જહેમત ઉઠાવી હતી. સંચાલન ટ્રસ્ટના ખજાનચી મિતેશ પીઠડિયાએ કર્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત થયેલા શિક્ષકો વિજયભાઈ માણેક અને પ્રતિમાબેન જોષીનું સન્માન કરી તેમની શિક્ષણસેવાને બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત ચિત્રકૂટ એવોર્ડ વિજેતા ઉષ્માબેન શુક્લા તથા મિતેશ પીઠડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત, દૃઢ સંકલ્પ અને શિસ્તના ગુણો કેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવા પ્રેરણા આપી હતી.

