નાગલપરમાં તાળું તોડી 4.91 લાખની ઘરફોડી

માતાપુત્ર દવા લેવા ભુજ ગયા અને પાછળથી કરાઈ ચોરી

નખત્રાણા તાલુકામાં નાગલપર ગામે પરિવારના માતાપુત્ર દવા લેવા ભુજ ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કબાટની તિજોરીમાંથી 4.91 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગેની ફરિયાદ મુજબ નાગલપર ખાતે રહેતા મોંગીબેન (મધુબેન ) અનિલભાઈ ચાવડા પાંચમી ઓક્ટોબરના તેમના પુત્ર તેજસની દવા લેવા ભુજની વ્યોમ હોસ્પિટલ ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ બસમાં મીરજાપર પહોંચ્યા ત્યારે ઘરમાં ચોરી થવાનો ફોન આવ્યો હતો. મોંગીબેન દવા લેવાનું પડતું મુકી પરત નાગલપર આવ્યા હતા. તપાસ કરતાં ઘરના દરવાજાને નુકસાન કરાયેલું અને કબાટની તિજોરી ખુલ્લી મળી હતી. તિજોરીમાંથી સોનાનું મંગળસૂત્ર, બે સોનાની ચેઇન, સોનાની પોચી, ચાંદીના બે પટ્ટા, ત્રણ સોનાનચાંદીના પટ્ટા વગેરે સહિતના દાગીના મળી કુલ 4.91 લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું તેમ પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.