બોગસ જન્મના દાખલા અંગે અંજાર ચીફ ઓફિસરને તપાસ આદેશ
માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને પોક્સો કેસમાં ભુજની વિશેષ પોક્સો અદાલતે આરોપી રઝાક ઓસમાણ સમાને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે. આ સાથે અદાલતે કેસમાં રજૂ કરાયેલા બોગસ જન્મના દાખલા અને બાળકના પિતાના નામમાં ગેરકાયદેસર ફેરફાર કરવાના ગંભીર મુદ્દાને ધ્યાને લઈ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસરને જવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી ૩ માસમાં અહેવાલ રજૂ કરવાનો કડક આદેશ કર્યો હતો.
કેસની ફરિયાદ પક્ષની વિગત અનુસાર, ૧૫ વર્ષ, ૨ મહિના અને ૨૮ દિવસની સગીરા આ કિસ્સામાં રાત્રે ઘરેથી ગુમ થઈ હતી. તપાસ દરમિયાન માધાપર સ્થિત ખાવડા સ્વીટ ફરસાણની દુકાનમાં કામ કરતા રઝાક ઓસમાણ સમાએ સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાનો ગુનો નોંધાયો હતો .પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ રજૂ કરાયા બાદ ભુજની સ્પે. પોક્સો અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. સરકારી પક્ષ દ્વારા કેસની સાબિતી માટે ૧૪ મૌખિક સાક્ષી અને ૩૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા આ કેસમાં આરોપી રઝાક ઓસમાણ સમા તરફથી ભુજના ધારાશાસ્ત્રી કે. પી. ગઢવી હાજર રહ્યા હતા. બચાવ પક્ષના વકીલે અદાલતમાં દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીને સંબંધિત વિસ્તારની દુકાનેથી હટાવવા માટે જ આ ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે.આરોપીએ સગીરાને કોઈ લગ્નની લાલચ આપી નથી કે તેનું અપહરણ કર્યું નથી. રેકોર્ડ પર રજૂ કરાયેલા જન્મના દાખલામાં સરકારી દફતરે ગેરકાયદેસર છેડછાડ કરી પિતાનું નામ પાછળથી બદલવામાં આવ્યું છે, જે કચેરીના અધિકારીઓ દ્વારા આચરાયેલો ગંભીર ગુનો છે. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા બાદ, વિશેષ પોક્સો અદાલતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

