કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી ૨૭૭થી વધુ ખેડૂએ હક્કની કરી માંગ
ભુજ તાલુકાના પધ્ધર ગામના ૨૭૭થી વધુ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પોતાની આજીવિકા તેમજ ગામની ખેતીલાયક જમીનો બચાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.ગામમાં આવેલી શ્રીસરકાર અને સરકારી ખેતીલાયક જમીનો ખાનગી કંપની ‘બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝને ફાળવવા કે સંપાદિત કરવા સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કરી આ પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રોકવા માંગ કરી હતી.
આવેદનપત્રમાં પધ્ધરના ગ્રામજનોએ જણાવ્યું છે કે,તેમનું ગામ મુખ્યત્વે ખેતીપ્રધાન છે અને મોટાભાગના પરિવારો પિયત તથા વરસાદ આધારિત ખેતી કરીને જ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બી.કે.ટી. કંપનીની આજુબાજુમાં આવેલી જમીનો સ્થાનિક ખેડૂતો દ્વારા વર્ષો અને વડીલોના સમયથી ખેડવામાં આવી રહી છે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે ભૂતકાળમાં સરકાર દ્વારા જ્યારે જમીન ફાળવણીની પ્રક્રિયાઓ હાથ ધરાઈ હતી,ત્યારે સ્થાનિક ખેડૂત પરિવારો અભણ,સામાન્ય અને આર્થિક રીતે અત્યંત નબળી સ્થિતિ ધરાવતા હતા.પ્રીમિયમની જરૂરી રકમ,સરકારી ફી તથા પ્રક્રિયાત્મક ખર્ચ વહન કરવાની ક્ષમતા ન હોવાને કારણે તેઓ આ જમીનો કાયદેસર રીતે પોતાના નામે મેળવી શક્યા નહોતા.જેના કારણે રેવન્યુ રેકોર્ડ પર આ જમીનો ‘શ્રી સરકાર’ બોલે છે,પરંતુ વાસ્તવિક કબજો અને ખેડાણ ગામના ખેડૂતોનું જ છે. પધ્ધરના ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ દ્રઢ માંગ કરી હતી કે,તેમની આર્થિક નબળાઈને ધ્યાનમાં રાખીને વડીલોના સમયથી ખેડાણ હેઠળની આ સરકારી જમીનો અંગે સ્થાનિક ખેડૂતોને જ યોગ્ય કાયદેસર હક અને ફાળવણીની પ્રથમ તક આપવામાં આવે. આવેદનપત્રની નકલો યોગ્ય કાર્યવાહી અર્થે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય,મહેસૂલ મંત્રી,કૃષિ મંત્રી તેમજ સ્થાનિક કક્ષાએ મામલતદાર ભુજ, પધ્ધર ગ્રામ પંચાયત અને ભારતીય કિસાન સંઘને પણ મોકલી આપવામાં આવી હતી. કલેકટર સમક્ષ રજુઆત દરમ્યાન નોંધપાત્ર સંખ્યામાં લોકો જોડાયા હતા.બીકેટી કંપનીને જમીન ફાળવવા માટેની પેરવી થતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્થાનીક તંત્રથી લઇ ગાંધીનગર સુધી આ મામલે રજુઆત કરી ચિમકી પણ ઉચ્ચારી હતી કે યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગ્રામજનો આ મુદ્દે લડત કરશે.
દરમ્યાન આવેદનપત્રમાં ખેડૂતોએ બી.કે.ટી. કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. કંપની દ્વારા સરકારમાં ખોટી-સાચી રજૂઆતો કરી,પોતાને અનુકૂળ પંચનામા કરાવીને સરકારી જમીન પોતાના નામે સંપાદન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.સાથે ભૂતકાળમાં પણ આ કંપની દ્વારા ખેડૂતોના ખેતરે જવાના માર્ગો પર દબાણ કરી રસ્તાઓ પચાવી પાડવામાં આવ્યા હતા.જેના કારણે ખેડૂતોને જમીન વેચવા મજબૂર થવું પડ્યું હતું.સાથે પધ્ધરથી વડવાળા તરફ જતા જાહેર રાજમાર્ગ તેમજ ઉપયોગી વિસ્તાર પર દબાણ કરવામાં આવ્યું છે અને વરસાદી પાણીના કુદરતી વોકડા પણ બંધ કરી દેવાયા છે. તેવા આરોપ મુકાયા હતા. જ્યારે નાના ખેડૂતોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ ખેડૂતોએ રજુ કરતા જણાવ્યું કે,આ જમીનો માત્ર સંપત્તિ નથી પરંતુ તેમના પરિવારની રોજીરોટી, પશુપાલન અને આવનારી પેઢીના જીવનનિર્વાહનો મુખ્ય આધાર છે.જો આ સરકારી ખેતીલાયક જમીનો માત્ર નાણાકીય ક્ષમતા ધરાવતી મોટી ઔદ્યોગિક કંપનીઓને સોંપી દેવામાં આવશે,તો ગામના નાના અને ગરીબ ખેડૂતો પોતાના આજીવિકાના સાધનથી વંચિત થઈ જશે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. તેવું જણાવાયું હતું.

