ભુજ સ્પેશયલ કોર્ટ દ્વારા બિહારી યુવાનને સજા ફટકરાઈ
મુંદરાના ભદ્રેશ્વર વિસ્તારમાં છ વર્ષની માસૂમ બાળકીને લાલચ આપીને અપહરણ કરાયા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનાના કેસમાં ભુજની સ્પેશયલ કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે.કોર્ટે આરોપીને અંતિમશ્વાસ સુધીની સખત કેદની સજા અને ૧,૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો એવી છે કે ગત તા. ૧૨/૦૧/૨૦૨૬ ના મુંદરા નજીક લેબર કોલોનીમાં રહેતા ફરિયાદી દંપતી સવારના સમયે મજુરી કામ અર્થે ગયા હતા.તે સમયે ઘરે એકલી રહેલી તેમની ૬ વર્ષની બાળકીને લાલચ આપીને આરોપી મનીષકુમાર ગનૌરી મંડલ (ઉ.વ. ૨૬, મૂળ બિહાર, હાલ રહે. લેબર કોલોની, ભદ્રેશ્વર) અપહરણ કરી ગયો હતો.રહેણાંક વિસ્તાર પાછળ બાવળોની ઝાડીમાં લઈ જઈ આ નરાધમે બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેવો ગુનો મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તપાસનીસ અધિકારી એચ.એસ.ત્રિવેદી (પોલીસ ઇન્સ્પેક્ટર) દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસ ભુજ સ્પેશયલ જજ એમ.એફ.ખત્રીની અદાલત સમક્ષ ચાલ્યો હતો. પ્રોસીક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજા અને કાયદા સહાયક એડવોકેટ માલશ્રી ગઢવી હાજર રહ્યા હતા.સરકારી વકીલે રજૂ કરેલા ૩૪ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બી.એન.એસ.અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીને અંતિમશ્વાસ સુધીની સખત કેદ અને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ નો દંડ જ્યારે બી.એન.એસ. કલમ ૧૩૭(૨): ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો છે.આ ઉપરાંત કોર્ટે ભોગ બનનાર બાળકીને રૂ. ૩,૦૦,૦૦૦નું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ ને ભલામણ કરવાનો હુકમ કર્યો છે. તથા આરોપી દ્વારા ભરવામાં આવનાર દંડની રકમ પણ બાળકીને ચૂકવવા આદેશ કરાયો હતો.

