ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ કેસમાં સજાનો કડક ચુકાદો

આરોપીને ૨૫ વર્ષની સખતકેદ અને ૭૫,૦૦૦નો દંડ ફટકારાયો

ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ ૧૭ વર્ષીય કન્યાનું અપહરણ કરી,બ્લેકમેલિંગ સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની ખાસ કોર્ટે નશયતરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી દીપક ઉર્ફે દીપ વાડીલાલ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોજદડ, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર)ને જવાબદાર ઠેરવી ૨૫ વર્ષની સખત કેદ અને ૭૫,૦૦૦ના દંડની સજા ફટકારી હતી.
આ કિસ્સામાં આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર સગીરાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સંપર્ક વધાર્યો હતો.ત્યારબાદ સોશિયલ મીડિયા પર લલચાવી નખત્રાણા બોલાવી,તેને અવાવરૂ ઓરડીમાં લઈ જઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાયું હતું. આરોપીએ પીડિતાના આપત્તીજનક ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી પણ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તો બળજબરી સાથે ચાર હજાર રૂપિયા પડાવી ફોટા વાયરલ ન કરવા વધુ નાણાંની માંગણી કરી હતી. તેવો ગુનો જે તે સમયે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયા બાદ આ કેસ ભુજના સ્પેશિયલ જજ એમ.એફ.ખત્રીની અદાલત સમક્ષ ચાલ્યો હતો. સુનાવણીમાં પ્રોસીક્યુશન તરફથી ૫૦ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષી ચકાસાયા હતા. કોર્ટેએ પુરાવા ધ્યાને લઈ આરોપીને પોક્સો એક્ટ કલમ-૪ હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ,જ્યારે કલમ-૬૪(૨)(એમ) હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ, પોક્સો કલમ-૬ હેઠળ: ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦ દંડ, અને આઈ.ટી. એક્ટ કલમ હેઠળ: ૧ વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત,અદાલતે ભોગ બનનારને ત્રણ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી હતી. આરોપી દ્વારા ભરવામાં આવનાર દંડની રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ આ ચુકાદામાં કરાયો છે. આ કેસની સુનાવણીમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તથા ફરીયાદ પક્ષના વકીલ તરીકે ડી.એન.બારોટ રહ્યા હતા.