લોકહિતને પ્રાથમિકતા, વિકાસ કામોમાં ઝડપ લાવવા સૂચન
કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા તથા બીબર ગામના ખેડૂતોની જમીન સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર ખાતે સરકારી કોલેજનું કામ, જાબરી-તલ લૈયારી ખાતે ડેમ નિર્માણ, નખત્રાણા બાયપાસ માટેના કામની પ્રગતિ, કોઠારામાં એપીએમસી માર્કેટ યાર્ડ શરૂ કરવા બાબત, ખીરસરા(રોહા) અને ખીરસરા(નેત્રા)ના ખેડૂતોના રજિસ્ટ્રેશન કામગીરી, સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડાએ વિવિધ યોજનાઓની અરજીઓના નિકાલ, પાલરધુના સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટરએ જનપ્રતિનિધિશ્રોના પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે સબંધિત અધિકારીઓને આંતરીક સંકલન કરીને નિકાલ કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

