માંડવીમાં સાસુ-વહુના સોનાના મંગળસૂત્રની ચોરી

સાસુનું ગાદલા નીચેથી, પુત્રવધૂનું કબાટમાંથી ગાયબ, બે મહિલા પર શંકા

માંડવી તાલુકાના શીરવા ગામના વાડી વિસ્તારમાં ખેડૂતના ઘરમાંથી અલગ-અલગ સમયે સાસુ અને પુત્રવધૂના સોનાના બે મંગળસૂત્ર સહિત 90 ગ્રામ સોનું ચોરાઈ ગયાનો મામલો ફરિયાદ સ્વરૂપે પોલીસમાં નોંધાયો છે. આ બનાવ અંગે હિરજી લાવજી હાલાઈ, શીરવા વાડી વિસ્તારએ બુધવારે ફરિયાદ નોંધાવી છે. જેના મુજબ તા.22/08/ની રાત્રે ઈવાબેને પોતાનું આશરે 40 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર ઉતારી પલંગના ગાદલા નીચે મૂક્યું હતું. બીજા દિવસે સવારે હિરજીભાઈએ ગાદલું ઊંચકતાં મંગળસૂત્ર દેખાયું હતું. જોકે બપોરે આશરે 3:30 વાગ્યે ઈવાબેન મંગળસૂત્ર લેવા ગયા ત્યારે તે ગાયબ હતું. ત્યારબાદ તા.01/09/ની રાત્રે પુત્રવધૂ વનીતાએ 50 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર પોતાના રૂમના લોખંડના કબાટના ખાનામાં મૂક્યું હતું. તા.02/09ની સાંજે કબાટ ખોલતાં મંગળસૂત્ર ગાયબ જણાયું હતું. ઘરમાં શોધખોળ છતાં તે પણ મળ્યું ન હતું. પોલીસે આપેલી માહિતિ મુજબ ફરિયાદીએ સગપણના કામે ઘરે આવેલી કુસુમબેન અને વિજયાબેન ભુજ ઉપર શંકા-વહેમ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.