ભુજમા ‘કલ્પસૂત્ર’ની શોભાયાત્રામાં ભાવિકો જોડાયા

આરાધના ભવન જૈનસંઘ દ્વારા યોજાયો કાર્યક્રમ

આરાધના ભવન જૈન સંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરીશ્વરજી અને આચાર્ય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. આદી ઠાણા-૧૮ની હાજરીમાં ‘કલ્પસૂત્ર’ની પોથીની શોભાયાત્રા દર્શન-ભાવના- વિગેરે અનુષ્ઠાનો યોજાયાં હતા. સંઘ સમક્ષ વાંચન કરવા માટે લાભાર્થી પરિવાર દ્વારા કલ્પસૂત્રની પોથી વહોરાવવામાં આવી હતી.
પ્રવચનમાળામાં પ્રવચનકાર આત્મદર્શનસૂરી મ.સા.એ વાર્ષિક કરવા પાત્ર ૧૧ કર્તવ્યો પર વિવેચન કર્યું હતું અને કલ્પવૃક્ષ સમાન ‘કલ્પસૂત્ર’ને અંતર નિર્મળ કરનાર, આંંતર શત્રુઓ સામે ઝઝૂમવાનું બળ આપનાર, આત્મ સિદ્ધિનું સાધન, આત્મ ચિંતનનું માધ્યમ અને આત્મ ઓળખની દિવાદાંડી ગણાવ્યું હતું.
‘કલ્પસૂત્ર’ને ઘરે પધરાવવાનો લાભ દિવાળીબેન મણીલાલભાઈ હરચંદભાઈ મહેતા પરિવાર હસતે ગુણવંતીબેનદલીચંદભાઈ મહેતાએ લીધો હતો અને પોથી વહોરાવવાનો લાભ શેઠ મનસુખલાલ ગણેશભાઈ પરિવારે લીધો હતો. અષ્ટપ્રકારી પૂજા અને પાંચજ્ઞાન પૂજાનો લાભ અન્ય પરિવારોએ લીધો હતો. સંભવનાથ જીનાલયેથી ‘કલ્પસૂત્ર’ની શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો. જે લાભાર્થી પરીવાર ગુણવંતીબેન દલીચંદભાઈ મહેતાના ‘આશીયાના’ નિવાસસ્થાને પહોંચતાં મંત્રોચ્ચાર સાથે ત્યાં ‘કલ્પસૂત્ર’ની પધરામણી કરાવાઇ હતી. લાભાર્થી પરિવાર દ્વારા ગુરૂ પૂજન, પ્રભાવના, સંગીતમય ભાવના વિગેરેનું આયોજન કરાયું હતું. જેનો ર૧૦૦ ભાવિકોએ લાભ લીધો હતો.
કલ્પસૂત્રની પોથી મનસુખલાલ ગણેશભાઈ શેઠ અને તેમના પરીવારજનોએ વહોરાવી હતી. આ અવસરે સંઘના મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા, હોદ્ંદારો, ટ્રસ્ટી મંડળના સભ્યો યુવાનો લાભાર્થી પરિવારના દલીચંદભાઈ મહેતા, રમણીકલાલ મહેતા, ધીરજલાલ મહેતા, ૯૪ વર્ષીય કાનજીભાઈ સંઘવી ૯૩ વર્ષીય નિવૃત મામલતદાર જેવતલાલભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તેવું મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાએ જણાવ્યું હતું.