ઓગસ્ટ 2026માં એતિહાસિક 18.60 મિલિયન મેટ્રિક ટન હેન્ડલિંગ નોંધાયું
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા સંચાલિત મુંદ્રા પોર્ટે ઓગસ્ટ 2026 દરમિયાન અનેક ઓપરેશનલ સિદ્ધિઓ હાંસલ કરી નવી ઉદ્યોગસાહસિક સિદ્ધિઓ હસ્તગત કરી છે મુંદ્રા પોર્ટે અત્યાર સુધીનો સર્વોચ્ચ 18.60 મિલિયન મેટ્રિક ટન માસિક કાર્ગો થ્રૂપુટ નોંધાવ્યો છે. આ સાથે જ, પોર્ટે ઓગસ્ટ મહિનામાં 8,19,046 કન્ટેનર હેન્ડલ કરીને અત્યાર સુધીનો સૌથી વધુ માસિક કન્ટેનર થ્રૂપુટ નોંધાવ્યો છે.. આ સિદ્ધિ વૈશ્વિક તેમજ સ્થાનિક વેપાર માટે મુંદ્રા પોર્ટની વધતી જતી અગ્રણીતાને દર્શાવનારી બની રહી છે. આ વિક્રમી કામગીરી મુંદ્રા પોર્ટની વધતી કાર્ગો માંગને અસરકારક રીતે સંભાળવાની ક્ષમતા તેમજ ગ્રાહકોને વિશ્વસ્તરીય અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેવી લાગણી વ્યક્ત કરાઇ છે.
મુંદ્રા પોર્ટના રેલ લોજિસ્ટિક્સ નેટવર્કે પણ ઓગસ્ટ મહિનામાં અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ નોંધાવી છે. જેના કારણે હિન્ટરલેન્ડ કનેક્ટિવિટી અને કાર્ગો ઇવેક્યુએશન ક્ષમતામાં વધુ વધારો થયો છે. દરમ્યાન 29 ઓગસ્ટ 2026ના, મુંદ્રા અદાણી બંદરે એક જ દિવસમાં 63 કન્ટેનર રેક્સ મારફતે 7,712 કન્ટેનર હેન્ડલ કરીને અત્યાર સુધીનો સર્વોચ્ચ દૈનિક કન્ટેનર રેલ વોલ્યુમ નોંધાવ્યો છે. તેમાં 3,476 નિકાસ અને 4,244 આયાત કાર્ગોનો સમાવેશ થાય છે. આ સિદ્ધિએ 26 જુલાઈ 2025ના નોંધાયેલા 7,332ના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો હોવાની વિગતો સત્તાવાર રીતે બહાર આવી છે. આ જ દિવસે, પોર્ટે 31 ટ્રેનો મારફતે 4,244 આયાત કન્ટેનર હેન્ડલ કરીને એક જ દિવસમાં સૌથી વધુ આયાત કન્ટેનર હેન્ડલિંગનો પણ નવો રેકોર્ડ સ્થાપી દીધો છે. આ અગાઉ 26 જુલાઈ 2025ના 32 રેક્સ દ્વારા નોંધાયેલા 3,992નો વિક્રમ હવે તૂટી ગયો છે.
આ કામગીરી મુંદ્રા પોર્ટના રેલ આધારિત લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમની અસરકારકતા અને ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તેવું કહેતા કંપની દ્વારા જાહેર કરાયું છે કે, અન્ય એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, 1 ઓગસ્ટ 2026ના મુંદ્રા પોર્ટના આર. એન્ડ ડી. યાર્ડની લાઇન નંબર 12 અને 13 પરથી પ્રથમ લાંબા અંતરની ટ્રેનનું સફળ સંચાલન પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ યાર્ડમાં લાઇન નંબર 12 અને 13ના વિસ્તરણથી ટ્રેન હેન્ડલિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ટ્રેનોના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થશે. પરિણામે કામગીરી વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે તથા ગ્રાહકોને વધુ ઉત્તમ સેવાઓ પ્રદાન કરી શકાશે. આ તમામ સિદ્ધિઓ મુંદ્રા પોર્ટ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઓપરેશનલ એક્સેલન્સ અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી ક્ષેત્રે કરવામાં આવતા સતત રોકાણને પ્રતિબિંબિત કરે છે. આ રેકોર્ડબ્રેકિંગ કામગીરી મુંદ્રા પોર્ટને ભારતના વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના મહત્વપૂર્ણ એન્જિન તરીકે વધુ મજબૂત બનાવે છે તેમજ ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ હબ બનાવવા માટેના દેશના વિઝનને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

