બાંડીયામાં તિજોરી તોડી 60 હજારના દાગીના ચોરાયા

ગુપ્ત ખાનામાંથી સોનાના એરિંગ-વીંટી અને ચાંદીના દાગીના સહિતની ચોરી

અબડાસાના બાંડીયા ગામે ઘરમાલિક પરિવાર રાત્રિ રોકાણ માટે સાસરીયામાં ગયો હોવાનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તિજોરી તોડી ગુપ્ત ખાનામાંથી સોના-ચાંદીના દાગીના સહિત 60 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. બાંડીયા ગામે રહેતા ઈમતીયાજ કરીમ હાલેપૌત્રા વ્યવસાયે ખેતમજૂર છે. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.4 સપ્ટેમ્બરની સાંજે તેઓ પત્ની અને બાળકો સાથે નેત્રા ગામે સાસરીયામાં રાત્રિ રોકાણ માટે ગયા હતા. બીજા દિવસે સવારે આશરે પરિવાર પરત બાંડીયા પહોંચ્યો ત્યારે મકાનના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં નકુચામાં લટકતું જોવા મળ્યું હતું. ફરિયાદ મુજબ, ચોરી તા.4 સપ્ટેમ્બરની રાત્રે 8 વાગ્યાથી તા.5 સપ્ટેમ્બરની સવારે 9:30 વાગ્યા વચ્ચે થઈ હોવાની શંકા છે.