રાજ્ય કમિશનનો નિર્ણય, ગ્રાહકને વિવિધ રાહત યથાવત
ભુજના ગ્રાહકની નવી કારમાં એન્જિનમાં ખામી સર્જાતા કરાવેલા રિપેરિંગ ખર્ચની રકમ વ્યાજ સહિત પરત ચૂકવવા તથા માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે વળતર આપવાના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમ સામે કરવામાં આવેલી અપીલને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને ડિશમિસ કરી ગ્રાહક માટેની રાહત યથાવત્ રાખી હતી.
ગ્રાહક ફરિયાદી પ્રદીપ આણંદજી ખોનાએ અધિકૃત ડીલર પાસેથી સ્કોડા કાર ખરીદી હતી, આ કાર માત્ર 7,000 કિ.મી. ચાલી હતી ત્યારે તેમાં ફોલ્ટ સર્જાયો હતો. ફરિયાદીએ તાત્કાલિક કાર સર્વિસ સેન્ટરમાં આપતાં એન્જિનના પાર્ટ્સમાં સમસ્યા હોવાનું જણાવાયું હતું અને રિપેરિંગ માટે રૂ.3,39,821નું બિલ આપવામાં આવ્યું હતું. ફરિયાદી દ્વારા સર્વિસ અને વોરંટી અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય જવાબ કે સંતોષકારક ઉકેલ ન મળતાં ફરિયાદીએ જિલ્લા કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.
જિલ્લા કમિશને રજૂ થયેલા પુરાવાઓના આધારે વોરંટી હેઠળ મળવાપાત્ર લાભો ન આપવા, સર્વિસમાં ખામી રાખવા તથા રિપેરિંગના નાણાં વસૂલવા બદલ ફરિયાદ મંજૂર કરી હતી. કમિશને રૂ.2,71,473 રિપેરિંગ ખર્ચ તા. 15-06-2015થી 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત રૂ.5,000 માનસિક ત્રાસ અને રૂ.5,000 ફરિયાદ ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. આ હુકમ સામે અધિકૃત ડીલર દ્વારા રાજ્ય કમિશન સમક્ષ અપીલ કરવામાં આવી હતી. જોકે સુનાવણીની સંખ્યાબંધ તારીખો આપવામાં આવી હોવા છતાં અપીલકર્તા તરફથી કોઈ હાજર રહ્યું ન હતું કે કોઈ રજૂઆત કરવામાં આવી નહોતી. પરિણામે ગ્રાહક સુરક્ષા નિયમો હેઠળ રાજ્ય કમિશને અપીલ ડિશમિસ કરી જિલ્લા કમિશનનો હુકમ યથાવત્ રાખ્યો હતો. ફરિયાદી તરફથી ભુજના ધારાશાસ્ત્રીઓ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા.

