અંજારના મફતનગર વિસ્તારમાં મકાનમાં બેસીને વીજ કેબલ વાયરના કવરો ઉતારી ભંગાર સગેવગે કરવાની તૈયારી કરી રહેલા ત્રણ શખ્સને અંજાર પોલીસે રૂ.૩૯,૦૬૦ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી પાડતાં ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા ત્રણેયે જણે ભચાઉ, સામખિયાળી અને મુન્દ્રા વિસ્તારની વિવિધ કંપનીઓ તેમજ પાવર હાઉસમાંથી લાખો રૂપિયાનો કેબલ અને લોખંડનો ભંગાર ચોર્યાની કબૂલાત આપી છે. આ કેસમાં રામજી નાથબાવાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મફતનગર પાસે બાતમી મળી હતી કે રામજી નાથબાવા પોતાના મકાનમાં સાગરીતો સાથે ચોરીના વીજ વાયરોનો ભંગાર કરી રહ્યો છે. પોલીસે મકાનમાં તપાસ કરતાં ત્રણ શખ્સ વાયરના બંડલના કટકા કરી તેના ઉપરનું પ્લાસ્ટિક કવર ઉતારી મીણિયાના કોથળામાં ભરતા મળી આવ્યા હતા. બીલ કે આધાર પુરાવા માગતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે પૂછપરછ કરતાં તેમણે ચોરીની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં પ્રકાશ બાલાભાઈ કોલી અંજાર, સંજય ગાંડુભાઈ સથવારા (દેવીપૂજક) મુન્દ્રા, મૂળ અંજાર તથા નાગજી લક્ષ્મણભાઈ સેખાણી (કોલી) વીડીનો સમાવેશ થાય છે.
અંજારમાં વાયરના કવરો ઉતારી કોથળા ભરતા ત્રણ ઝડપાયા

