માંડવી નગર સેવા સદન દ્વારા શ્રાવણ વદ-૯ અને ૧૦ના દિવસો નિમિત્તે આયોજિત પરંપરાગત રાત્રી લોકમેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનિરુદ્ધભાઈએ નગરજનોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર સનાતની પરંપરા જાળવી રાખવી એ આપણું ગૌરવ છે.
સાતમ-આઠમના મેળાઓ દરેક જગ્યાએ યોજાય છે, પરંતુ માંડવીનો નોમ-દશમનો મેળો દિવસ-રાત ભરાય છે. નોમના સુંદરવર મંદિરથી અને દશમના મુરલી મનોહર મંદિરથી નીકળતી રવાડીની શોભાયાત્રા લોકોમાં આકર્ષણ જમાવે છે. મહિલા બાગ પાસે જયેશ ભેડા અને ભરત જેઠવા દ્વારા મનોરંજનના હેતુથી ‘હાઉઝી ગેમ’ રમાડવામાં આવી હતી, જેમાં વિજેતાઓને ઈનામો અપાયા હતા. આ ઉપરાંત ડુપ્લીકેટ દેવાનંદે નગરજનોનું મનોરંજન કર્યું હતું, જ્યારે આગામી સમયમાં ડુપ્લીકેટ અમિતાભ બચ્ચન અને ઘનશ્યામ ઘાટ પર કઠપૂતળીનો શો યોજાશે.
બે દિવસીય લોકમેળાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારી વૈભવભાઈ વ્યાસના નેતૃત્વ હેઠળ જયેશ ભેડા, ભુપેન્દ્ર સલાટ સહિતની ટીમે વ્યવસ્થા સંભાળી છે. મુલાકાતીઓ માટે લાઈટિંગ, સફાઈ અને પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. તેવી માહિતી સત્તાધીશોએ આપી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર સી.વાય. બારોટના નેતૃત્વ હેઠળ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રાફિક નિયંત્રણ માટે સાંજે ૫ વાગ્યાથી ટાગોર રંગભવનથી મહિલા બાગ સુધી વાહનોની અવરજવર બંધ કરાઈ છે. માંડવી બીચ પર જતા પ્રવાસીઓ માટે રેન્જ ફોરેસ્ટ કચેરી પાસેથી માધવ નગર, તળાવ ગેટ થઈને વૈકલ્પિક રસ્તો ફાળવાયો છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ પ્રસંગે નગર અધ્યક્ષા વર્ષાબેન જોશી, કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, લક્ષ્મીચંદભાઈ કુકલ, પારસભાઈ સંઘવી, મલયભાઈ લાલન, જોશનાબેન સંઘાણી, મુકેશ જોશી, મિત ઠક્કર, ઉદય ધકાણ તેમજ નગરસેવકો, હેડ ક્લાર્ક મનજીભાઈ પરમાર અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન મેળાના સ્ટોલ ધારકોમાં ભાડાની રકમ શ્રમજીવીઓને વધારે લાગી હોય તેમ તેમણે જણાવ્યું હતું, જેના કારણે ઘણા સ્ટોલોની જગ્યા ખાલી પણ નજરે પડી હતી.
માંડવીમા નોમ-દશમના લોકમેળાનું ઉદ્ઘાટન

