માંડવી અને ભુજમાં પનીર વિશે અવિરત ચેકિંગ

શંકાસ્પદ ૨૦ કિલો જથ્થો નાશ કરાયો : નમૂના લેબમાં મોકલાયા

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ તથા એસ.બી. પટેલની ટીમે વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સના વિક્રેતાઓ તેમજ મોટા શોપિંગ મોલ્સ પર દરોડા પાડી વ્યાપક તપાસ હાથ ધરી હતી. તંત્રની ટીમ દ્વારા માંડવી તાલુકાના કોડાય ગામ સહિત વિવિધ વિસ્તારો તેમજ ભુજ તાલુકામાં આવેલી હોટલો, પનીર અને દૂધની બનાવટોનું વેચાણ કરતી પેઢીઓ તથા ‘ડી. માર્ટ’ અને ‘રિલાયન્સ’ જેવા મોટા સુપર સ્ટોર્સ અને મોલ્સમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવી હતી. ૨૦ કિલો પનીરના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવા સાથે ત્રણ સેમ્પલ લેવાયા હતા.
તપાસ કામગીરી દરમિયાન માંડવી તાલુકામાંથી આરોગ્ય માટે અયોગ્ય અને શંકાસ્પદ જણાયેલા પનીરના ૩ નમૂના વધુ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવા માટે એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સ્થળ પર મળી આવેલો અંદાજે ૨૦ કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લામાં તપાસ ઝુંબેશ હાથ ધરાશે. તેમ ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ કે ઉત્પાદકો સામે કડક વલણ અપનાવવામાં આવશે. સરકારી પ્રયોગશાળામાંથી લેબ રિપોર્ટ આવ્યા બાદ નિયમભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું તેમણે ઉમેર્યું હતું. આગામી દિવસોમાં કચ્છ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે દરોડા અને ચેકિંગની કામગીરી નિરંતર ઝુંબેશરૂપે ચાલુ રાખવામાં આવશે. તેવી વિગતો પણ જાહેર કરાઇ છે.