હાજીપીર પોલીસે પશુઓની ગેરકાયદે હેરાફેરી લીધી ઝપટમાં

11 પાડા, બે વાહન સહિત રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે – બે આરોપી સામે ગુનો નોંધાયો

સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે હાજીપીર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે. સત્યેશ ચાર રસ્તા નજીક હાથ ધરાયેલી વાહન તપાસણી દરમિયાન પોલીસે બે વાહનમાંથી 11 પાડાને ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના, ખીચોખીંચ અને ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં શોધી કાઢ્યા હતા.
પોલીસે બંને વાહનો સહિત અંદાજિત રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર કાર્યવાહી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુડા તથા નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ વિશ્વવા શાહના માર્ગદર્શન અને સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી.
હાજીપીર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ વેલાભાઈ ચૌધરીની ફરિયાદના આધારે આરોપી જણસ ઉમેદઅલી મુતવા (રહે. ધોરડો, તા. ભુજ) તથા અલીમામદ અબ્દુલ ભટ્ટટી (રહે. નારાયણ સરોવર, તા. લખપત) સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીઓ દ્વારા મહિન્દ્રા પિક-અપ તથા *ટાટા છોટા હાથીમાં પશુઓની જરૂરી પરમીટ તેમજ ઘાસચારા અને પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા વગર હેરાફેરી કરવામાં આવી રહી હતી. તેવું પોલીસે જણાવ્યું હતું. કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, પો.સ.ઇ. કિશોરસિંહ જાડેજા, એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ પરમાર, દિનેશ ચૌધરી, કિરણ નાયી, જયભાઈ, શંભુસિંહ,, છત્રસિંહ જોડાયા હતા તપાસ એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ એચ. પરમાર દ્વારા કરવામાં આવી રહી છે.