છેલ્લા લાંબા સમયથી કસદાર કમાણીને લઈને પુરબહાર સ્થિતિએ પહોંચેલી ખનીજ ચોરી સામે તંત્રએ પણ કામગીરીનો સપાટો બરકરાર રાખ્યો છે. મંગળવારે ભુજ અને અબડાસા તાલુકામાં બે દરોડા પાડી ખનિજની ચોરી માટે કામે લગાવાયેલા દોઢ કરોડથી વધુની કિંમતના વાહનો અને સાધનો કબજે લેવાયા હતા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા અબડાસાના ગુડથર વિસ્તારમાં ગેરકાયદેસર સાદી રેતીના ખનન સામે દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલુંએક એક્સકાવેટર મશીન સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યું હતું.
જપ્ત કરાયેલ મશીનને કાયદેસરની કાર્યવાહી અર્થે નલિયા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આ મુદામાલની કિંમત રૂ. 45 લાખ જેટલી થાય છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનિજ પરિવહન તથા ખનિજ સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ સતત અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાણ થાય તો સંબંધિત તંત્રને માહિતી આપવા અનુરોધ કરાયો છે. બીજીબાજુ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કવોડ-કચ્છ અને પ્રાંત અધિકારી ભુજની સંયુક્ત તપાસ ટીમ દ્વારા મંગળવારે ભુજ તાલુકામાં વરલી ગામના રહેવાસીઓની ફરિયાદને ધ્યાને લઈ સાકરાઈ ટીમ્બો ખાતે આવેલા સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સાથે રહ્યા હતા. સાદીમાટી ખનિજનું ગેરકાયદે ખનન કરતા ૧ એક્સેવેટર મશીન, ૧ લોડર મશીન અને ૦૪ ટ્રેક્ટર મળી કુલ છ વાહનો પકડવામાં આવ્યા હતા.
વાહનોને સીઝ કરી આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે.સદર પંચોની રૂબરૂમાં ખાણકામવાળા વિસ્તારની માપણી પણ કરવામાં આવી હતી. તેવું સત્તાવાર સાધનોએ જણાવ્યું છે. તપાસ ટીમ દ્વારા રૂ. 1.07 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે
બેખોફ – બેલગામ ખનિજચોરી સામે તંત્રની ” કાંટાની ટક્કર”

