આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ મારફતે અલગ-અલગ વ્યવહારો કરી રકમ ઉપાડી લેવાઈ
નખત્રાણા તાલુકાના ચાવડકા ગામે રહેતા દાદુભા ખીમાજી જાડેજાના વિથોણ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં બચત ખાતામાંથી તેમની જાણ બહાર 1.10 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગેની ફરિયાદ મુજબ, આશરે પંદર દિવસ પહેલાં તેઓ બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારબાદ તા.08-10ના તેમના પુત્ર પ્રવિણસિંહ દાદુભા જાડેજાએ પાસબુક તપાસતાં ખાતામાંથી રૂ.10 હજારના 11 વ્યવહારો દ્વારા કુલ રૂ.1,10,000 ઉપડી ગયાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતાં 30-10થી તા.14-04 દરમિયાન અલગ-અલગ 11 વ્યવહારો થયાનું જણાયું હતું. મોબાઇલ પર વ્યવહારોના સંદેશા આવ્યા ન હોવાથી વૃદ્ધને આ અંગે જાણ થઈ નહોતી. આ મામલે પ્રવિણસિંહ જાડેજાએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આધાર સાથે સંકળાયેલી AEPS સિસ્ટમના ડેટાનો અનધિકૃત ઉપયોગ કરીને ઠગાઈ કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નખત્રાણા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

