‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ પૂર્વ કચ્છ એલસીબીની કાર્યવાહી
પોલીસથી બચીને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો લૂંટના ગુનાનો આરોપી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ ધડપકડ કરી આરોપીને વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપાયો છે. અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી મુંદરા વિસ્તારમાં હોવાની માહિતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી હતી. આ બાતમીને આધારે એલસીબીની ટીમે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી મુંદરામાંથી આરોપી બલવંતસિંહ ઉર્ફે બલસિંગ ચતરસિંહ રાઠોડ મૂળ રાજસ્થાનને પકડ્યો હતો. આરોપી હાલ મુંદરા તાલુકાના લાખાપર ખાતે આવેલી મહાશક્તિ કોડ કંપનીમાં રહેતો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

