શારદા સ્કીલ હાઉસમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાના મડ આર્ટન ૨૬ દિવસીય પ્રશિક્ષણ વર્ગોનું સમાપન
મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુસર શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ સંચાલિત શારદા સ્કીલ હાઉસ ભુજ ખાતે ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થા દ્વારા Accentureના સહયોગથી માઇક્રો સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત મડ વર્ક તાલીમ કાર્યક્રમનું સમાપન થયું હતું. આશરે ૧૨૫ મહિલાની સ્ક્રીનીંગ પ્રક્રિયા બાદ ભાગીદારી સાથે શરૂ થયેલી આ ૨૬ દિવસીય તાલીમ દરમિયાન ૫૬ મહિલાએ મડ આર્ટના કૌશલ્યને વધુ વિકસાવવાની સાથે ઉદ્યોગસાહસિકતા તરફ આગળ વધવા માટે જરૂરી વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
પ્રશિક્ષક ઈલાબેન ગોસ્વામી દ્વારા અપાયેલી મડ આર્ટની તાલીમ ઉપરાંત વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા ઉદ્યમ શરૂ કરવા માટે જરૂરી આયોજન, ખર્ચ, કિંમત નિર્ધારણ, બજાર વ્યવસ્થા, ગ્રાહક જરૂરિયાત, માર્કેટિંગ અને સ્વરોજગારના વિવિધ પાસાંને પણ સમજાવ્યા હતા. આ તાલીમની વિશેષતા એ રહી કે તાલીમાર્થી બહેનોએ માત્ર મડ આર્ટ બનાવવાનું કૌશલ્ય જ નહીં, પરંતુ તૈયાર થયેલી પોતાની પ્રોડક્ટને lબજારમાં રજૂ કરવા માટે બ્રાન્ડિંગ અને પેકેજિંગનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું અને તાલીમાર્થી બહેનોએ પોતાની પ્રોડક્ટ મેકિંગ સ્ટોરી પોતાના જાત અનુભવ સાથે રજૂ કરી હતી. જેનું સ્પર્ધાત્મક મૂલ્યાંકન રંજના વાઘેલા દ્વારા કરતા પ્રથમ ક્રમે સરધારા શ્વેતા, દ્વિતીય ક્રમે ભટ્ટ સંધ્યા અને તૃતીય ક્રમે સાવલિયા ભાવિકાએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
તાલીમ કાર્યક્રમની સૌથી મહત્વપૂર્ણ સફળતા એ રહી કે કેટલીક તાલીમાર્થી બહેનોને તાલીમ પૂર્ણ થાય તે પહેલાં જ તેમની તૈયાર કરેલી મડ આર્ટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર મળવાની શરૂઆત થઈ ગઈ હતી. EDIIના હેતલબેન ખેરએ જણાવ્યું હતું કે, આગામી ૧૮ મહિના સુધી તાલીમાર્થી બહેનો સાથે હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ઉદ્યમ રજીસ્ટ્રેશન, કારીગર કાર્ડ નોંધણીની પ્રક્રિયા, બજાર સાથે જોડાણ, ઓર્ડર મેળવવા, માર્કેટ કવરેજ વધારવા તથા પોતાના મડ આર્ટ વ્યવસાયને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવશે.

