રતનાલ ખાતે નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનુ લોકાર્પણ

પર્યાવરણનું જતન સૌની સહિયારી જવાબદારી હોવાનું રાજ્ય મંત્રીએ કહ્યું

અંજાર તાલુકાના રતનાલ  આર.કે.નગર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  મતિયા દેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા એક હેક્ટરથી વધારે વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પરિસરને હરિયાળું બનાવવાના સામાજિક વનીકરણ વિભાગ કચ્છના પ્રયાસોને રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા.  લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ સામાજિક સમરસતાની સાથે પર્યાવરણના જતનનો અનોખો સંકલ્પ આ પંચવટી વિકાસ કેન્દ્ર બની રહેશે તેમ જણાવીને ઉમેર્યું હતું કે, પંચવટી કેન્દ્રમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હોલ અને ઓફિસ સહિતની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હરિયાળું પરિસર આગામી દિવસોમાં સામાજિક કાર્યો સાથે પર્યાવરણના જતનનું કેન્દ્ર બની રહેશે.   રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે.  કચ્છ વન વર્તૂળના વન સંરક્ષક ડૉ.ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે, સમાજને સાથે જોડીને પર્યાવરણનું જતન થાય એવા શુભ આશયથી આ પંચવટી વિકાસ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.  અગ્રણી કાનજીભાઈ મહેશ્વરી, ગામના સરપંચ સરિયાબેન વરચંદ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ડાહ્યીબેન મહેશ્વરી,  મ્યાઝરભાઈ છાંગા,  ખીમજીભાઈ મહેશ્વરી,  માવજીભાઈ માતંગ,  લાલજીદાદા મતિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મનિષા આલ સહિત વન વિભાગના અધિકારીઓ, મતિયા દેવ સમિતિ રતનાલના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.