ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થીને ચેકના કેસમાં કેદ અને દંડની સજા

  નીતિન કેશવાણીને ત્રણ કેસમાં અને પત્ની એક કેસમાં ઠર્યા દોષિત, ભુજ ચીફ કોર્ટનો ચુકાદો

ભુજ: સોળ લાખ રૂપિયાના મૂલ્યના જુદાજુદા ચાર ચેક બેંકમાંથી પરત ફરવાના મામલે ઊભા થયેલા નેગોશિયેબલ ધારાના અલગઅલગ ચાર કેસમાં ભુજના જાણીતા બિલ્ડર અને જમીનના ધંધાર્થી નીતિન વસંતલાલ કેશવાણી અને તેમના પત્ની હેમાલીબેન નીતિન કેશવાણીને. તકસીરવાન ઠેરવીને અત્રેની અદાલતે નીતિન કેશવાણીને ત્રણ કેસમાં અને હેમાલીબેન કેશવાણીને એક કેસમાં કેદ અને દંડની સજા ફટકારી છે.
ચારેય કેસમાં દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાના આદેશ કરવામાં આવ્યો છે.
જિલ્લા મથક ભુજના વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રમાં છેલ્લા લાંબા સમયથી નાણાકીય અને ચેકની લેવડદેવડનો આ સમગ્ર ઘટનાક્રમ ચર્ચાસ્પદ રહ્યો હતો. અત્રેના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. આર . જૈન સમક્ષ આ ચારેય કેસની સુનવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષને સાંભળી, જરૂરી આધાર પુરાવા તપાસી કોર્ટે ભુજની બેંકર્સ કોલોની ખાતે રહેતા નીતિન કેશવાણીને ત્રણ કેસમાં અને તેમના પત્ની હેમાલીબેનને એક કેસમાં દોષિત ઠેરવવા સાથે કેદ અને દંડની સજા ફટકારતા આ ચુકાદા 30મી સપ્ટેમ્બરે આપ્યા હતા.
નિતીન કેશવાણી સામેના ત્રણ કેસમાં અરવિંદ શંકરજી ગોર, ( અરિહંત નગર ભુજ )ના પાંચ લાખના કેસનો મામલો, દેવ નીતિનભાઈ રાજગોર (નાગરિક સોસાયટી ભુજ ) ના બે લાખ રૂપિયાના કેસનો મામલો અને ઉર્મિલાબેન અરવિંદભાઈ રાજગોરની ફરિયાદ વાળા પાંચ લાખના કેસનો સમાવેશ થાય છે. જ્યારે ભુજના નવી રાવલવાડીમાં રહેતા ઝલક મહેશભાઈ માહેશ્વરી દ્વારા હેમાલીબેન નીતિનભાઈ કેશવાણી સામે ચાર લાખનો કેસ .બેંકમાંથી પરત થતા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
અદાલતે નીતિનને ત્રણ કેસમાં એક એક વર્ષની સાદી કેદ તથા 5લાખ, 2 લાખ, અને 5લાખ મળી કુલ ૧૨ લાખના દંડની શિક્ષા ફટકારી હતી. જ્યારે હેમાલી બેનને એક વર્ષની સાદી કેદ અને 4 લાખના દંડની સજા કરાવી હતી. દંડની કુલ રકમ રૂપિયા 16 લાખ કેસના ફરિયાદીને ચૂકવવા કોર્ટે ચુકાદામાં આદેશ કર્યો હતો. દંડની રકમ ભરવામાં ન આવે તો આરોપીઓને વધુ છ મહિના કેદમાં રાખવાનો પણ ન્યાયાધીશએ હુકમ કર્યો હતો.
આ ચારેય કેસમાં ફરિયાદીના વકીલ તરીકે ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી દિનેશભાઈ ( ડી. જે. ) ઠકકરે હાજર રહી દલીલો કરી હતી