ચોરોએ તિજોરી ઉઠાવી, પણ ન ઉપાડી શક્યા

વિથોણમાં ખેતાબાપા સંસ્થાનની ઓફિસમાં બનેલી ઘટના, CCTVમાં દેખાયા આરોપી

નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપા સંસ્થાનના કાર્યાલયમાં તસ્કરો દ્વારા તિજોરી ચોરીનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે.મધરાતે બનેલી ઘટનામાં ત્રણ શખ્સએ ઓફિસમાંથી આખેઆખી તિજોરી બહાર કાઢી હતી, પરંતુ તેને સ્થળ પરથી લઈ જવામાં સફળ ન થતાં કંપાઉન્ડ વૉલ પાસે લારી પર મૂકીને તેઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, તા. ૨૩ સપ્ટેમ્બરની મધરાતે અજાણ્યા શખ્સો સંસ્થાનના કાર્યાલયમાં ઘૂસ્યા હતા. તસ્કરોએ ઓફિસમાં રહેલી તિજોરી ઉઠાવી તેને બહાર લાવી હતી. બાદ તેને લઈ જવા માટે લારીનો ઉપયોગ કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, કોઈ કારણસર તેઓ તિજોરીને ત્યાંથી લઈ જઈ શક્યા નહોતા. એટલું જ નહીં, તિજોરીનું લોકર તોડવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. તેવું બહાર આવ્યું છે.
આ કિસ્સામાં સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ત્રણેય તસ્કર CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે ત્રિપુટી પૈકીનો એક શખ્સ સંસ્થાનમાં સાફ-સફાઈનું કામ કરતો નેપાળી કર્મચારી રમેશદાસ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે રમેશદાસ અચાનક ગાયબ થઈ જતાં તેની ભૂમિકા અંગે વધુ શંકા ઊભી થઈ છે. સંસ્થાના ટ્રસ્ટીએ નખત્રાણા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.