ધારાશાસ્ત્રીને ધમકી મામલે ભુજ બાર મેદાનમાં

એસ.પી.ની તાત્કાલિક સૂચના, વકીલોને રક્ષણ– સહકારની ખાતરી

ભરણપોષણના કેસની અદાવત રાખી ભુજ બાર એસોસિએશનના સભ્ય અને એડવોકેટ હાસમશા ઈસબશા શેખને જાનથી મારી નાખવાની તથા અપહરણની ધમકી મળવાના મામલે વકીલ આલમમાં રોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાને પગલે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોરની આગેવાની હેઠળ સિનિયર-જુનિયર વકીલોની ટીમે પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વકીલોની રજૂઆતને ગંભીરતાથી લઈ એસ.પી.એ આરોપી વિરુદ્ધ તાત્કાલિક એફ.આઈ.આર. દાખલ કરવા આદેશ આપ્યો હતો. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે, વકીલોને તેમના ન્યાયિક અને વ્યવસાયિક કાર્ય દરમિયાન કોઈ શખ્સ તરફથી ધાક-ધમકી કે દબાણ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. વકીલો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શકે તે માટે પોલીસ તંત્ર કાયદાકીય રક્ષણ તથા સહકાર આપશે. રજૂઆતમાં સહમંત્રી મેહુલ ગોસ્વામી, ભક્તિબેન ગોર, કારોબારી સભ્ય આનંદ જોશી તેમજ બાર એસોસિએશનના સભ્યો એમ.એ. ખોજા, એમ.આઈ. પઠાણ, અનીશ સુમરા, સંતોષસિંહ રાઠોડ, યજ્ઞેશ શર્મા, અંકિત પુજારા, વિપુલ કનૈયા, ચિરાગ ઠાકર, શુક્રરાન એ. ઝરીવાલા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.