કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીની તબીબી તપાસની માંગ
આદિપુરની 35 વર્ષીય મુસ્લિમ મહિલાની ભુજની. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આંખમાં ‘સ્પીરીટ’ પહોંચતા આંખોની તકલીફ ઊભી થઈ હોવાની ફરિયાદ સાથે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત મુજબ, મહિલા તા. 23 સપ્ટેમ્બરના ખેંચ આવવાની તકલીફને પગલે સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાને ફિટ આવતાં તેઓ બેભાન થઈ ગયા હતા. મહિલાને હોશમાં લાવવા માટે નાક અને મોઢા મારફતે ‘સ્પીરીટ’ નામનું કેમિકલ આપવામાં આવ્યું હતું અને આ પ્રક્રિયા દરમિયાન કેમિકલ આંખોમાં પહોંચ્યું હોવાના પુરાવા હોવાનો કમિટીએ આક્ષેપ કર્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે ત્યારબાદ મહિલાની આંખોમાં ગંભીર તકલીફ ઊભી થઈ છે અને હાલમાં આંખો ખોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે, જ્યારે દ્રષ્ટિ પર અસર થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કમિટીએ હોસ્પિટલ પાસે કેમિકલની ચોક્કસ ઓળખ, તેની માત્રા, કઈ તબીબી પ્રક્રિયા હેઠળ તેનો ઉપયોગ કરાયો તથા તે આંખોમાં કેવી રીતે પહોંચ્યું તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તબીબી તપાસ, નિષ્ણાત આંખના તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ, જરૂરી મેડિકલ ટેસ્ટ અને દ્રષ્ટિ બચાવવા તાત્કાલિક સારવાર શરૂ કરવાની માંગ કરાઇ હતી.

