કોઠારા વ્યાજ પ્રકરણમાં ભુજમાંથી ૧ કરોડથી વધુની માલમતા હસ્તગત

આરોપીના સાળાના ઘરમાં એલ.સી.બી. દ્વારા કરાઈ કાર્યવાહી

લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી રોકડ રકમ, કિંમતી દાગીના અને ખેતી લાયક જમીનના દસ્તાવેજાે કરાવી પડાવી લેનાર આરોપીઓ વિરુદ્ધ લાલ આંખ કરી અબડાસા વિસ્તારમાં થયેલી ઐતિહાસિક સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી આગળ ધપાવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ પોલીસે એક કરોડથી વધુની માલમતા ભુજ ખાતેથી રિકવર કરી છે. પકડાયેલા એક ઈસમના ભુજ રહેતા સાળાના ઘરમાંથી આ માલ ઝડપાયો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભોગબનનાર યુવકને આરોપીઓ આમદ હાજી મામદ મંધરા રહે.કોઠારા તા.અબડાસા અને ઓસમાણ હાજી મામદ મંધરા રહે.કોઠારા અબડાસાએ દસ ટકા વ્યાજ લેખે રૂપિયા આપી ત્યારબાદ વ્યાજના નામે તેના સહી વાળા કોરા ચેક તથા સી ફુડના સ્ટેમ્પ, સહી વાળી ચેકબુકો તથા વ્યાજના નામે ફોર વ્હીલર કાર સાટા કરારથી લખાવી લેવા સહિતના આરોપ સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ કોઠારા પોલીસ સ્ટેશન. દ્વારા ચાલુમાં છે. દરમ્યાન આ બંને આરોપીઓ પૈકી આમદ હાજી મામદ મંધરાનો સગો સાળો ભુજમાં સંજાેગનગરમાં રહે છે તેના રહેણાંક મકાનમાં આ ગુના કામે ઉપયોગી થઇ શકે તેવા અગત્યના વધુ પુરાવાઓ તથા અન્ય ઉપયોગી થાય તેવો મુદામાલ હોવા અંગે બાતમી મળતા આરોપીના સાળા રજાક ઓસમાણભાઈ સોતા રહે.મુસ્તફા મસ્જીદની બાજુમાં, સંજાેગનગરના રહેણાંક મકાનમાં એ.એમ. મકવાણા, પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કર્મચારીઓને સાથે રાખી બાતમી વાળી જગ્યાએ ત્વરીત કાર્યવાહી કરી માલમતા કબ્જે કરી હતી.
કબ્જે કરાયેલા મુદામાલમાં રૂા. ૬,૧૮,૦૦૦ની રોકડ, સોના ચાંદીના ઘરેણા કિ. રૂા. ૯૪,૪૦,૮૩ર અને એરગન કિ. રૂા. ૧૦૦૦ સહિત કુલ ૧૦૦,પ૯,૮૩રનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એ.એમ. મકવાણા, એએસઆઈ અનિરૂદ્ધસિંહ પૃથ્વીરાજસિંહ રાઠોડ, શ્યામદાન શંભુદાન ગઢવી, સુનીલભાઈ પ્રવિણભાઈ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ મુળશંકરભાઈ રાવલ, રણજીતસિંહ કરણસિંહ જાડેજા, જયદેવસિંહ જગદીશસિંહ જાડેજા તથા શ્યામ વિશ્રામ ગઢવી, મહિલા પોલીસ કર્મચારી કીરણબા ધીરૂભા જાડેજા સહિતનો સ્ટાફ જાેડાયો હતો.