અંજાર પોલીસ અને LCBએ આરોપીને ઝડપી પાડ્યો
અંજાર તાલુકામાં વરસામેડી ગામના તળાવ કિનારે કોથળામાંથી મળી આવેલી ૪૩ વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની લાશના હત્યાના મામલનો અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી આરોપી દિનેશ રાયધણભાઈ ઠાકોર (ઉ.વ.૩૫, રહે. વરસામેડી, મૂળ પ્લાસવા, તા. રાપર)ને ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે,પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતકની પત્ની સાથે આરોપીને સંબંધ હતો. મૃતકને આ સંબંધની શંકા હોવાથી પોતાને નુકસાન પહોંચાડશે તેવી આશંકાથી આરોપીએ તા.૩૧ ઓગસ્ટની મોડી રાત્રે મૃતકને ઘરે બોલાવી લોખંડના રોડથી માથાના ભાગે ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. લાશના બે ટુકડા કરી અલગ-અલગ કોથળામાં ભરી વરસામેડી તળાવમાં ફેંકી દેવાઈ હતી તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતકનો મોબાઈલ અન્ય સ્થળે ફેંકી દેવાયો હતો. ગુનાની ગંભીરતાને પગલે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચનાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી.આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, સ્થાનિક ગુણશોધક શાખાના ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, ફોજદાર એસ.જી. વાળા, ડી.જી. પટેલ સહિતની ટીમ જોડાઈ હતી.

