ચા ના અંચળા તળે નશો વેચનારો સકંજામાં

ફાર્માસિસ્ટ તરીકેના પ્રમાણપત્રની આડમાં ગાંધીધામ-આદિપુરના યુવાધનને નશીલી દવાઓના રવાડે ચઢાવવાના કારોબારનો પર્દાફાશ થયો છે. હેમાંગ ઉર્ફે રામ પ્રવિણકુમાર ગોકલાણી (ઉં.વ.૨૬, રહે. શિણાય)ને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના.સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપએ તોલાણી કોલેજ પાછળ મિડ ટાઉન હોટેલ પાસેથી ઝડપી પાડ્યો હતો.
આરોપી હેમાંગે ગાંધીધામ નગરપાલિકા પાસે અગ્રસેન ભવન સામે મૈત્રી અમૃતતુલ્ય ચાયની ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી. ચા-કોફીના વ્યવસાયની આડમાં દારૂ, બિયર અને નશીલી દવાઓનું વેચાણ કરતો હોવાની પોલીસને આશંકા હતી. જે આધારે કાર્યવાહી કરાઈ હતી. અઢી માસ પહેલાં પણ આ ચાય શોપમાં દરોડો પડાયો હતો તેમ પોલીસે કહ્યું હતું. બોર્ડર રેન્જ આઈજીની ક્રાઈમ બોર્ડર-2ની ટીમે ગત ૧૯ જૂનના સાંજે હેમાંગની ચાય શોપ પર દરોડો પાડ્યો હતો. પોલીસે રૂ.૯ હજારની કિંમતના ૭૨ બિયર ટીન, વોડકાના ૭ ક્વાર્ટરિયા તથા વિવિધ નશાકારક ટેબ્લેટ્સ અને સિરપની શીશીઓ મળી આવી હતી. એક વખત દરોડો પડ્યા છતાં હેમાંગ સુધર્યો નહીં હોવાનું કહેતા પોલીસે જણાવ્યું હતું કે એક્ટિવાની ડીકીમાં નશાકારક દવાઓ રાખી ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હોવાની બાતમીના આધારે SOG પીઆઈ બી.વી. બોરીસાગરની ટીમે ડ્રગ ઈન્સ્પેક્ટરને સાથે રાખી રવિવારે કાર્યવાહી કરી હતી. આ તપાસ દરમિયાન કોડેઈનયુક્ત કફ સિરપની ૩૬ શીશી, તેમજ ટ્રામાડોલ અને નાઈટ્રાઝેપામની કુલ ૩૫૩૨ ટેબ્લેટ/કેપ્સ્યુલ મળી આવી હતી. પોલીસે દવાઓ, વાહન, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.૧૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હેમાંગ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે. તેણે આદિપુરની ‘મારુતિ મેડિસીન’ નામની કેમિસ્ટ શોપનું ઈન્ટિમેશન લેટર રજૂ કર્યું હતું, પરંતુ તેમાં તેનું નામ ન હોવાનું સામે આવ્યું છે. માત્ર ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશનથી નશાકારક દવાઓ રાખવાની મંજૂરી મળતી નથી; તેના માટે ડ્રગ્ઝ કંટ્રોલ ઓથોરિટીનું નિયત લાયસન્સ જરૂરી છે, જે આરોપી પાસે ન હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.