લાપતા આધેડની ટુકડા કરાયેલી લાશ તળાવમાં મળી

અંજાર તાલુકાના વરસામેડી ગામેથી હત્યાની ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. છ દિવસથી ગુમ થયેલા ૪૩ વર્ષીય લખુભાઈ રૂડા હૂંબલનો બે ટુકડા કરાયેલો મૃતદેહ તળાવના કિનારેથી મળી આવતાં સનસનાટી મચી ગઈ છે. ઘટના અંગે અંજાર પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ, વરસામેડી ગામે રહેતા ૪૩ વર્ષીય લખુભાઈ હુંબલ ગત તારીખ ૩૧ ઓગસ્ટના રાત્રે ગામના ટોલનાકા પાસે આવેલ ખેતરમાં ચોકી કરવા ગયા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા સતત શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન તેમનો મોબાઈલ ફોન નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવતાં પરિવારજનોની ચિંતા વધી હતી આ બાબતે તારીખ ૧ સપ્ટેમ્બરના અંજાર પોલીસ મથકે ગુમનોંધ દાખલ કરાવવામાં આવી હતી.
દરમ્યાન શનિવાર, ૫ સપ્ટેમ્બરના બપોરે પરિવારના સભ્યો ગામના પાછળના તળાવ કિનારે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમને તળાવના કિનારે શંકાસ્પદ પ્લાસ્ટિકના બે કોથળા મળી આવ્યા હતા. ઘટના અંગે તુરંત જ અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ અને પંચોની હાજરીમાં બંને કોથળા બહાર કાઢી ખોલાતા ઉપસ્થિત સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતદેહના માથાના ભાગે તીક્ષ્ણ અને ધારદાર હથિયારના ઊંડા ઘા મારેલા હતા અને કમરના ભાગેથી શરીરના બે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં પૂરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી મૃતકના દેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.. મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યો હતો. તેવી વિગતો પોલીસે આપી હતી. મૃતકના નાના ભાઈ દેવજીભાઈ ઉર્ફે દેવાભાઈ હુંબલની ફરિયાદના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર કુમંતસિંહ અનોપસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યા પાછળનું કારણ શું છે અને આ ગુનો કોણે આચર્યો છે તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.