નાયબ મુખ્યમંત્રીએ ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨- જનરક્ષક’ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત

રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ ૫૦૦ અત્યાધુનિક ‘૧૧૨-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા ૫૦૦ વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે.

આધુનિક ૧૫૦ બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર ૧૦ મિનિટ ૪૯ સેકન્ડ થયો છે. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ ૧૧૨ પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.

ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાની દિશામાં દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે. ગુજરાત પોલીસ હંમેશા જનતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. ૧૧૨ -ઇમરજન્સી સેવા દ્વારા સહાય વધુ ઝડપી અને અસરકારક બનશે. હવે કોઈપણ નાગરિક ૧૧૨ નંબર પર ડાયલ કરે ત્યારે શક્ય તેટલા ઓછા સમયમાં પોલીસ સહાય પહોંચે તે દિશામાં આ સેવા વધુ સક્ષમ બનશે.