માંડવીમાં ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવ

ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે

શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવીના ઉપક્રમે ૨૭મી ઓગસ્ટ ગુરુવારથી પંચ દિવસીય મહોત્સવનો શુભારંભ થશે. આ નિમિતે ભક્તામર તપનો ઉજમણો – કનકસુરી દાદાની સ્વર્ગારોહણ તિથિ તથા શીતલનાથ દાદાનો ધ્વજારોહણ એમ ત્રિવેણી સંગમ કાર્યક્રમ દિવ્યગીરાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૩ ની હાજરીમાં યોજાશે. તેમ માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. મહોત્સવના પ્રથમ દિવસે ગુરુવારના સવારના વ્યાખ્યાન દરમ્યાન પત્રિકા લેખનનો કાર્યક્રમ શીતલ-પાર્શ્વ જિનાલયમાં યોજાશે. બીજા દિવસે શુક્રવારના શીતલનાથ દાદાના ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તપગચ્છ જૈન સંઘ નુ સ્વામીવાત્સલ્ય યોજાશે.
ત્રીજા દિવસે શનિવારના મહાવીરસ્વામી જિનાલયથી શીતલ-પાર્શ્વ જિનાલય સુધી તપસ્વીઓ તથા સંઘ શોભાયાત્રા નીકળશે. આ ઉપરાંત શીતલ-પાર્શ્વ જિનાલય ખાતે તપનું પૂંજણું, તપસ્વીઓના સામુહિક પચ્ચખાણ તથા તપના વધામણાનો કાર્યક્રમ યોજાશે. જ્યારે બપોરે તપોવંદનાનો કાર્યક્રમ યોજાશે. ચોથા દિવસે રવિવારના સવારે ભક્તામર પૂજનનો કાર્યક્રમ યોજાશે. બપોરે મહાવીરસ્વામી જિનાલયની બાજુમાં આવેલા પ્રાણ-પ્રમીલા ઉપાશ્રયમાં મહેંદી રસમનો પ્રોગ્રામ યોજાશે. જ્યારે અંતિમ પાંચમા દિવસે સોમવારના સવારે આચાર્ય કનકસુરીશ્વરજી મ.સા.ની સ્વર્ગરોહણ તિથિ નિમિત્તે ગુણાનુવાદનો કાર્યક્રમ યોજાશે. બાદ તપસ્વીઓના બહુમાનનો કાર્યક્રમ યોજાશે. બપોરે આયંબીલ શાળામાં આયંબિલ કરાવવામાં આવશે. તો પ્રાણ-પ્રમીલા ઉપાશ્રયમાં ગુરુદેવના ૨૭ વંદન, ૧૦૮ પ્રદક્ષિણા તથા ગુરુગૂણ કાર્યક્રમ યોજાશે.