કચ્છભરમાં ઈદે મિલાદુન્નબીએ શાંતિ એકતાની શીખ

વિવિધ સ્થળે પરંપરાગત ઝુલુસમા મુસ્લિમ બિરાદરો જોડાયા

ઇસ્લામ ધર્મના અંતિમ પયગંબરના જન્મ દિવસ નિમિત્તે બુધવારે કચ્છમાં ઈદે મિલાદુ ન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં ભુજ, ગાંધીધામ, માંડવી , રાપર અને અંજાર સહિતના નાના મોટા ગામોમાં ઝુલુસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાલ મુબારકની ઝિયારત, તકરીર અને ન્યાઝ સાથે જરૂરતમંદ લોકોને ખૈરાત અપાઈ હતી. હિન્દૂ-મુસ્લિમ ભાઇઓએ એકમેકને ઇદની શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા મથક ભુજમાં ઈદ નિમિત્તે મહેફિલે બાગે રસુલ કમીટી દ્વારા ભીડ ગેટથી ઝુલુસ આયોજિત કરવામાં આવ્યું હતું. જે શહેરના બસ સ્ટેશન થઈ ખારસરા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં હિન્દૂ-મુસ્લિમ સંસ્થાઓ અને અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. ઉજવણીના માધ્યમથી શાંતિ, ભાઈચારો અને એકતાની શીખ અપાઈ હતી.
માંડવીમાં કચ્છ અંજુમને ઈસ્લામ સંસ્થાનાં નેજા હેઠળ જુલુસ યોજાયું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. કાંઠા વિસ્તારમાં ફિરદૌસ મસ્જિદ પાસેથી જુલુસને પ્રસ્થાન આપવામાં આવ્યું હતું. નદીવાલા નાકાથી ભીડ બજાર , આઝાદ ચૌક , ન્યુ સ્વામિનારાયણ મંદિર રોડ થઈ ને સોનાવાળા નાકા ખાતે પુર્ણાહુતી થઈ હતી. જુલુસનાં આયોજન બદલ કચ્છ અંજુમને ઈસ્લામ સંસ્થા નાં પ્રમુખ સાજીદભાઈ માણેકનો પીર સૈયદ કૌશરઅલીશાહ બાપુ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુએ હિન્દુ-મુસ્લિમ એકતા ,ભાઈચારા અને વિકાસ માટે દુઆ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પયગમ્બર સાહેબ શાંતિ અને એકતાનાં મસીહા હતા. તેઓ દરેક ધર્મ અને સમાજનાં ધર્મગુરુઓનો આદર કરવા શીખ આપતા હતા. હતા.
દરમ્યાન ગાંધીધામ વિસ્તારમાં આ નિમિતે ઝુલુસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિતે કચ્છ ના મુસ્લિમ અગ્રણી હાજી જુમાભાઈ રાયમાં પરીવાર દ્વારા રામબાગ સરકારી હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ તથા ૫૦૦ રૂપિયા રોકડા દવા માટે અપાયા હતા. હાજી સલીમ રાયમા, સાહીદ રાયમા, હાજી નજીર રાયમા, લતીફ ખલીફા, સુમાર હીંગોરજા, સદામ હીંગોરજાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
રાપર સહિત વાગડ વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. રાપર નગર તથા તાલુકાના અનેક ગામ માં જુલૂસ નિક્ળ્યા હતા. મુસ્લિમ વિસ્તારોમાં મકાનો ઉપર રોશની કરવામાં આવી હોઇ મુસ્લિમ વિસ્તારો ઝળહળી ઉઠયા હતા. મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી ઈસ્માઈલભાઈ પણકા, જુમ્મા મસ્જિદના મુતવલી હાજીભાઈ ખાસકેલી, મામદભાઈ નોડે , પીર સૈયદ અનવરસા બાપુ, પીર સૈયદ હાસમસા બાપુ, પીર સૈયદ રહીમસા બાપુ, પીર સૈયદ હુસેનશા બાપુ, પીર અલીઅકબરસા , જુમ્મા મસ્જિદના પેશ ઇમામ મૌલાના ફઝલેહક અકબરી અને મૌલાના શાહનવાજ , ચાંદાજી સમા, જાનખાન બલોચ, રમજુ મહિડા, ઈસ્માઈલ ટાંક, ગુલામ રસુલ ચૌહાણ, અનવર ઝરીયા, રમજુ જીવાણી, ઉમરસા શેખ, ઇબ્રાહીમ પણકા , ઓસમાનભાઈ ટાંક, કરીમ સોઢા, હારૂન ભાઈ લાલમામદ રાઉમા વિગેરે જોડાયા હતા