માંડવી તપગચ્છ જૈન સંઘએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો

વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક વર્ગ જોડાયો

માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે, સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદી ઠાણા-૩ ની હાજરીમાં રવિવારના શીતલ-પાર્શ્વ જિનાલયમાં કલાપ્રભસૂરી આરાધના ભવન માંડવી ખાતે પર્યુષણ પર્વના કર્તવ્યરૂપ સ્નાત્ર મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો. આ સ્નાત્ર મહોત્સવમાં બાલિકાઓ દ્વારા ૧૪ સપના ડાન્સ, ૫૬ દીકકુમારીકાનો ડાન્સ તેમજ પ્રભુજીના ફઈબા, માસીઓ તેમજ પરમાત્માની વહાલી બેન બનીને ભક્તિમાં તલ્લીન બનવા અને ૬૪ ઈન્દ્ર દ્વારા મહાઅભિષેક માંડવીના જૈન સમાજના ભાવિકોએ નિહાળ્યા હતા. ગુરુભક્ત પરિવાર તરફથી આ સ્નાત્ર મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર ભાવિકોની અનુમોદના કરવામાં આવી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.