અમદાવાદ–પાલનપુર અને અમદાવાદ–સામાખિયાળી રેલખંડ પર સ્વદેશી ‘કવચ’ સિસ્ટમનો શિલાન્યાસ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ સાબરમતી ખાતે વિવિધ મહત્વપૂર્ણ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કર્યો હતો. આ પરિયોજનાઓથી રેલવે સુરક્ષા, સંચાલન ક્ષમતા, માલ પરિવહન, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટીને નવી મજબૂતી મળશે.
આ પ્રસંગે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી શાહે WAG-12 ઇલેક્ટ્રિક એન્જિનને લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું. તેમજ 700 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા WAG-12 સાબરમતી લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ ઉપરાંત સાબરમતી–સાણંદ–જખવડા તથા સાબરમતી કલોલ ભાંડુ મોટીદાઉ રેલખંડ પર 122.57 કિલોમીટરમાં સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ સિસ્ટમનું લોકાર્પણ તથા અમદાવાદ પાલનપુર અને અમદાવાદ સામાખિયાળી રેલખંડ પર કુલ 404 કિલોમીટરમાં કવચ સિસ્ટમ તેમજ સાબરમતી–સરખેજ રેલવે લાઇનના ડબલિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી. શ્રી શાહે જણાવ્યું હતું કે આજે સાબરમતી ખાતે ભારતીય રેલવેની વિવિધ મહત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરવામાં આવ્યો છે. તેમાં કેટલીક પરિયોજનાઓ પર્યાવરણ સંરક્ષણ, કેટલીક યાત્રી સુવિધાઓ અને કેટલીક રેલવે મુસાફરોની સુરક્ષા સાથે સંબંધિત છે. આ પ્રસંગે અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે ભારતીય રેલવે પરિવર્તન અને નવીનતાના નવા યુગની સાક્ષી બની રહી છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ, મેયર હિતેશભાઈ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

