કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજયમંત્રી ભણી છોડ્યું તીર
ભુજ તાલુકાના લોડાઈ ગામે પ્રાથમિક શાળાના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુબંલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા આયોજિત આ સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો તથા સ્થાનિક કોંગ્રેસના પ્રતિનિધિઓને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું.
તેમણે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ આહીર, જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે લોડાઈ ગામના ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ ડાંગર તથા પૂર્વ તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા અનિલભાઈ બત્તાને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે કચ્છમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે અને કેટલાક વિસ્તારોમાં શાળાઓ એક જ શિક્ષકથી ચાલી રહી છે. તેથી માત્ર શાળાની ઇમારતના ઉદ્ઘાટન કરતાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અને શિક્ષણનું સ્તર સુધારવા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કોંગ્રેસે લોડાઈ સહિતના વિસ્તારોના કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ ખુલાસાની માંગ કરવાની પણ વાત કરી છે.

