આવેદનપત્ર અપાયું, જરૂર પડ્યે ઉગ્ર લડતની ચીમકી
સરકારી પોલિટેકનિક કોલેજ ભુજ ખાતે વિદ્યાર્થીઓને સહન કરવી પડતી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
કોલેજ કેમ્પસમાં પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. શૌચાલયમાં પણ પાણી ન આવવાને કારણે વિદ્યાર્થીઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ક્લાસરૂમમા પંખા અને લાઈટો ચાલુ ન હોવાથી ગરમીના કારણે અભ્યાસ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. આ વચ્ચે શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પર ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ છાત્રો દ્વારા કોલેજના આચાર્ય સમક્ષ લેખિત આવેદનપત્ર દ્વારા વ્યક્ત કરાયા હતા. પરિષદના પ્રમુખ કાર્યકર્તા યશ જોશીએ પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે , જો સમસ્યાઓનું વહેલી તકે નિકાલ કરવામાં નહીં આવે, તો પરિષદ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

