વિજેતાઓ હવે કરશે પ્રાંત કક્ષાએ પ્રતિનિધત્વ
રવિવારના ભારત વિકાસ પરિષદ ભચાઉ શાખા દ્વારા ભારત કો જાનો પ્રશ્ન મંચ કાર્યક્રમ સફળ લે.પા.બો. સંચાલિત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો હતો.
પ્રાથમિકની 23 અને માધ્યમિક વિભાગની 12 મળી 35 શાળાના 70 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. પ્રાથમિક વિભાગમાંથી યુરો ગ્લોબલ શાળા તથા માધ્યમિક વિભાગ માંથી એચ.ડી.ડી કન્યા વિદ્યાલયનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો જે હવે તારીખ 4 ઓક્ટોબર 2026 ના યોજાનારી પ્રાંત કક્ષા ની ભારત કો જાનો પ્રતિયોગિતામાં અંજાર ખાતે ભચાઉ શાખાનું નેતૃત્વ કરશે. ભાગ લેનાર વિદ્યાર્થીઓનું શાખા તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વસતાભાઈ ડી. પટેલ કન્વીનર ચાણક્ય શાળા વિકાસ સંકુલ ભચાઉ અને ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના અધ્યક્ષ ડો. અમિતભાઈ પટેલ રહ્યા હતા શાખાના પ્રમુખ ધનસુખભાઈ જોગી, મંત્રી આશિષભાઈ સોલંકી, ખજાનચી ડો. દીપકભાઈ પ્રજાપતિ, ભારત કો જાનો ના સંયોજક ડો. મનીષભાઈ અખાણી અને સહ સંયોજક ડો. મયુરભાઈ કારીયા તથા રાજેશભાઈ ગ્રોવરએ જહેમત ઉઠાવી હતી. સંચાલન શાખાના પૂર્વ પ્રમુખ હરેશભાઈ દરજીએ કર્યું હતું. ભારત કો જાનો કચ્છ પ્રાંતના સંયોજક ડો.વિશાલ ભાઈ ઠક્કરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આભાર વિધિ રાજેશભાઈ ગ્રોવરે કરી હતી.

