માધાપરમાં ચૌવિહાર હાઉસ શરૂ કરાયું

પર્યુષણ પર્વ અન્વયે ભાવિકો માટે કરાયું આયોજન

ભુજ તાલુકાનું માધાપર જે રીતે સમગ્ર ભારતમાં એક વિકસિત ગામ તરીકે નામના ધરાવે છે તેજ રીતે અહીના જૈન સમાજની વિવિધ સંસ્થાઓ પણ પોતાની ધાર્મિક, સામાજિક, જીવદયા અને માનવસેવાની પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગુજરાત જૈન સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. જૈનોના પર્યુષણ પર્વ ચાલી રહયા છે ત્યારે માધાપરમાં પણ આરાધનાઓ તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અહીની સંસ્થાઓ “જૈન જાગૃતિ સેન્ટર” અને “સમસ્ત જૈન સમાજ વુમન વિંગ” ના સંયુક્ત ઉપક્રમે ચૌવિહાર હાઉસ શરૂ કરવામાં આવ્યુ છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસથી શરૂ થયેલું આ ચૌવિહાર હાઉસ તા. 14/09/2026 સુધી ચાલુ રાખવામાં આવશે.
ચાતુર્માસ ગાળતા તીર્થભદ્રસૂરી મ.સા.ના શિષ્ય મુનિ તીર્થવંદન વિ. મ.સા. આદિઠાણા અને સાધ્વી હંસકીર્તીશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી હંસલક્ષિતાશ્રીજી મ.સા. આદિઠાણા તેમજ ઉજ્જવળ કુમારીજી મહાસતીના શિષ્યા રાજેમતીજી સ્વામી આદિઠાણાએ આ ચૌવિહાર હાઉસ માટે અનુમોદના સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. ચૌવિહાર હાઉસના શુભારંભ સમયે મુની તીર્થપ્રજ્ઞ વિજય મ. સા.એ માંગલિક ફરમાવ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે પર્યુષણ પર્વના દિવસો એ વિશેષ આરાધના અને તપશ્ચર્યાના દિવસો હોય છે. શ્રાવક શ્રાવિકાઓ દ્વારા અનેકવિધ તપશ્ચર્યા કરવામાં આવતી હોય છે ત્યારે જે ભાવિકો દ્વારા તપશ્ચર્યાઓ ના થઈ શકે તેમજ અનેક પરિવારો કે જેમના ઘરે અનુકૂળતા ન હોય તેઓ આ ચૌવિહાર હાઉસમાં ચૌવિહાર કરી શકે અને રાત્રિ ભોજન કરવાથી બચી શકે છે. જે પરિવારોના ઘરે ચૌવિહાર માટે પૂરતી અનુકૂળતા ન હોય અથવા બહારથી આવતા સાધર્મિકોને ચૌવિહારની સુવિધા મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. ચૌવિહાર હાઉસના શુભારંભ સમયે માધાપર મૂર્તિ પૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને તેરાપંથ જૈન સંઘ તેમજ સમસ્ત જૈન સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. માધાપરની આયંબિલ શાળામાં ચાલતા આ ચૌવિહાર હાઉસમાં દરરોજ 80 થી 100 જૈન સાધર્મિકો ચૌવિહારનો લાભ લઈ રહ્યા છે. તેમ જૈન જાગૃતિ સેન્ટરની યાદીમાં જણાવાયું છે.