ભુજમાં કાકા-ભત્રીજા પર છરીથી હુમલો

હરસિધિનગરની ઘટના, પાડોશી યુવકનો હુમલો

ભુજના હરસિધિનગર નવી રાવલવાડીમાં ભત્રીજાને ગાળો આપવન મુદ્દે ઠપકો આપવા ગયેલા યુવક અને તેના ભાઈ પર પાડોશી યુવકે છરી વડે હુમલો કર્યાની ઘટના બહાર આવી છે. હુમલામાં હિંમતસિંહ રાઠોડને છાતી, પીઠ, ડાબી કમર તથા પાંસળીના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા ભાવુભા વિશનજી રાઠોડના જમણા હાથની હથેળીમાં છરી વાગતાં ટાંકા આવ્યા છે. રડાર કોલોનીના ખૂણા પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ભાવુભા રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ભાઈ હિંમતસિંહે જણાવ્યું કે, અગાઉના દિવસે તેમના પુત્ર નિયાંશસિંહને પાડોશમાં રહેતા શિવમ સોલંકીએ ગાળો આપી હતી. આ પછી હિંમતસિંહ શિવમને ઠપકો આપવા ગયા હતા અને ભાવુભા પણ પાછળ ગયા હતા. ફરિયાદ અનુસાર, શિવમ સોલંકી પોતાના મકાનના ગેટ પાસે ઉભો હતો. હિંમતસિંહે ગાળો આપવાનું કારણ પૂછતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ શિવમએ પોતાની પાસે રહેલી છરી કાઢી કહી હિંમતસિંહ પર ઘા કરવા લાગ્યો હતો. ભાવુભા વચ્ચે છોડાવવા જતા છરી પકડતાં તેમના જમણા હાથની હથેળીમાં ઇજા થઈ હતી. તેવું ફરિયાદમાં લખાવાયું છે.