૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ માણ્યો રણોત્સવ

સ્થાનિક કલાકારો અને સખી મંડળો આત્મનિર્ભર બન્યા, આવક વધીને રૂ. ૧૨.૧૧ કરોડે પહોંચી

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના રણોત્સવ દરમિયાન અંદાજિત ૧૦.૪૧ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં ૧૦.૩૯ લાખથી વધુ સ્થાનિક અને ૨,૧૭૮ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૫થી શરૂ થયેલો રણોત્સવ આજે ૩ દિવસથી વધીને ૪ મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે. રણોત્સવ થકી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક આત્મનિર્ભરતા મળી છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલ્સની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ૪,૧૨,૪૨૩ નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 78 ટકાનો વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ક્રાફ્ટ સ્ટોલ્સ થકી થતી આવક પણ રૂ. ૬.૯૯ કરોડથી વધીને રૂ. ૧૨.૧૧ કરોડ થઈ છે, જે આવકમાં ૭૩.૩૦ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉપરાંત, ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ ૩૩.૯૬ ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં અન્ય આકર્ષણોની મુલાકાતોની વિગત આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક કાર્યક્રમ: ૫૮,૬૭૯ મુલાકાતીઓ, થીમ પેવેલિયનમા ૧,૩૫,૩૬૬ મુલાકાતીઓ, ફન ઝોન / ચિલ્ડ્રન એક્ટિવિટી: ૧૯,૮૧૨ મુલાકાતીઓ, લાઈટ એન્ડ સાઉન્ડ શો: ૧,૦૮,૩૧૫ મુલાકાતીઓ, ફૂડ સ્ટોલમાં ૨,૩૧,૭૮૬ મુલાકાતીઓ રહ્યા છે.
વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર ‘ધોરડો’ ખાતે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.