બેરોજગારી, શિક્ષણ મુદ્દે સરકાર પર કોંગ્રેસના પ્રહાર

પ્રદેશ પ્રમુખ દ્વારા વિવિધ મુદ્દે લડી લેવાની તૈયારી બતાવાઈ

આવનારી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે સાથે સ્થાનિક મુદ્દાઓને લઈને આંદોલન કરવાની ચીમકી પણ પક્ષએ ઉચ્ચારી છે.
કચ્છની મુલાકાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય અમિતભાઈ ચાવડા, પ્રવક્તા ડૉ મનીષભાઈ દોશી, જિલ્લા પ્રમુખ વી કે હુંબલ ,જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રાજેશ આહીર વગેરેએ પત્રકાર પરિષદમાં શિક્ષણ, સ્થાનિક રોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને ‘બુલડોઝર રાજ’ મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકારની આલોચના કરી હતી.
શિક્ષણ, NEET અને કચ્છ સાથે અન્યાય સહિતના મુદ્દા આવરી લેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે NEET પેપર લીક મામલે જ્યારે ૨૧ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં યુવાનોનો અવાજ બુલંદ કરવામાં આવ્યો અને વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા પણ કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના શિક્ષણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ધટ કચ્છમાં શિક્ષકની છે. વર્ષ ૨૦૨૪-૨૫માં કચ્છે સરકારને જીએસટી પેટે ૪૭૩૮ કરોડ રૂપિયાની આવક રળી આપી છે. આખા ગુજરાતમાં કોઈ એક જિલ્લામાંથી સૌથી વધુ જીએસટી આવક કચ્છમાંથી થાય છે, તેમ છતાં કચ્છમાં શિક્ષકો અને ઓરડાઓની ભારે અછત છે.
કચ્છમાં ભૂકંપ બાદ અનેક મોટા ઉદ્યોગો અને કંપનીઓ આવી હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી. નિયમ મુજબ ૮૫ ટકા સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ, પરંતુ મોટાભાગની કંપનીઓમાં પરપ્રાંતીયોને જ નોકરી આપવામાં આવી રહી છે. મહિલા કોંગ્રેસે મોંઘવારી તેમજ યુવા પેઢી અને પરિવારોને બરબાદ કરતા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડવાનો સંકલ્પ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું
કોંગ્રેસ આગામી દિવસોમાં બન્ની અને પચ્છમ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લેશે, જેઓ જમીનના પ્રશ્ને પોલીસ અને પ્રશાસનનો સામનો કરી રહ્યા છે. સાથે જ લખપત અને અબડાસામાં ઓછો વરસાદ પડવાથી ઊભી થયેલી અછતની સ્થિતિ અંગે પણ અવાજ ઉઠાવવામાં આવશે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ઉદ્યોગપતિઓએ હજારો એકર જમીન પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો કર્યા છે છતાં સરકાર એક શબ્દ બોલતી નથી, પરંતુ કોઈ ગરીબ સામાન્ય માણસે ઝૂંપડું બનાવ્યું હોય કે કોઈ નાનું મંદિર-મસ્જિદ હોય તો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે.
૨૦૨૭માં પરિવર્તનની સુનામીનો દાવો કોંગ્રેસ નેતાએ કર્યો હતો. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં પરિવર્તનનો પવન સુનામી સ્વરૂપે ફૂંકાશે અને પરિણામો ચોંકાવનારા હશે. આગામી ૮, ૯ અને ૧૦ તારીખે મળનારા વિધાનસભા સત્રમાં કોંગ્રેસ એક મજબૂત વિપક્ષ તરીકે આ તમામ પ્રશ્નો ઉઠાવશે અને જો સરકાર નહીં માને તો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે. તેવું તેમણે ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો,પક્ષના હોદેદારો,નગર સેવકો, કાર્યકરો હાજર રહ્યા હતા.