સ્વછતા અને પાણીના બગાડ વિશે આંદોલન કરવા પણ તૈયાર
અંજાર શહેરના વોર્ડ નં. ચારને સ્વચ્છ રાખવા માટે ચીફ ઓફિસરને વોર્ડના ચારેય નગરસેવકએ લેખિત રજૂઆત કરી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાયતો લોકશાહી ઢબે આંદોલન કરવાની તૈયારી બતાવી છે. વોર્ડ નં. 4ના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકવાની તેમજ ઘરની બહાર રસ્તા પર બિનજરૂરી પાણી ઢોળી પાણીનો બગાડ કરવાની સમસ્યાને લઈને વોર્ડના નગરસેવકો રાજેન્દ્રસિંહ તેજુભા જાડેજા, દીપકભાઈ રૂપાભાઈ આહિર, મીનાક્ષીબેન નરેશભાઈ પ્રજાપતિ અને હલીમાબેન અબ્દુલમજીદભાઈ ખત્રી મેદાનમાં આવ્યા છે.
ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. રજૂઆતમાં નગરપાલિકા દ્વારા નિયમિત કચરા કલેક્શનની વ્યવસ્થા હોવા છતાં કેટલાક લોકો જાહેર રસ્તા, શેરીઓ અને ખુલ્લી જગ્યાઓમાં કચરો ફેંકી રહ્યા છે.જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે તેમજ મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાથી રોગચાળો ફેલાવાની શક્યતા પણ ઊભી થાય છે. તેમ જણાવાયું છે. નગરસેવકોએ ચીફ ઓફિસરને આ સ્થળોનું નગરપાલિકાની સંબંધિત ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરવા વિનંતી કરી છે. જરૂર જણાય તો ચારેય નગરસેવકો સ્થળ પર સાથે રહી સમસ્યાવાળા વિસ્તારો બતાવવા માટે પણ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું છે. ચારેય નગરસેવકોએ માંગ કરી છે કે નગરપાલિકાની ટીમ દ્વારા વોર્ડમાં નિયમિત ચેકિંગ કરવામાં આવે અને જાહેર સ્થળોએ કચરો ફેંકતા તથા બિનજરૂરી રીતે પાણીનો બગાડ કરતા લોકો સામે નગરપાલિકાના નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવે.

