કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભૂજનું આયોજન
મોટા યક્ષના મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ભૂજ દ્રારા વિકસિત ભારત @2047 તેમજ સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. નખત્રાણા નગર પાલિકા પ્રમુખ ઉપરાંત , જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન દિનેશભાઈ, સાયરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયંતીભાઈ, પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, મામલતદાર રાકેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકભાઈ ગઢવી તેમજ નખત્રાણા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પ્રદર્શનની મુલાકાત લેતા રાજ્ય મંત્રી શ્રી છાંગાએ આ આયોજનની સરાહના કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં દેશનાં દરેક વર્ગના લોકોને ઊપયોગી એવી અનેક યોજનાઓ અમલમાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આવી યોજનાઓનો સીધો લાભ તેના લાભાર્થીઓને મળે છે.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યુ હતું કે, 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના જે વિષય અંતર્ગત સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે દેશમાં ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજના અધિકારી કે આર મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પ્રદર્શન સ્થળ પર વિભિન્ન સ્પર્ધાઓ અને માહિતી સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

