રાસનો રંગ અદાણીની. સંગાથે’ થીમ સાથે નિઃશુલ્ક આયોજન
શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરામાં નિઃશુલ્ક ‘પાંજી નવરાત્રી મહોત્સવ’ યોજાશે. ‘પાંજી નવરાત્રી, રાસનો રંગ અદાણીની સંગાથે’ની થીમ સાથે યોજાનારા આ મહોત્સવમાં ભક્તિ, ઉત્સાહ અને ગુજરાતી પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે.
મુંદરા-ગુંદાલા રોડ પર કોમ્પ્લેક્સ સિનેમા નજીક યોજાનારા આ મહોત્સવમાં મુંદરા શહેર અને તાલુકા સહિત સમગ્ર કચ્છની ધર્મપ્રેમી જનતા પરિવાર સાથે જોડાઈને માતાજીની આરાધના તથા પરંપરાગત ગરબાનો આનંદ માણી શકશે. તેવું આયોજકો દ્વારા જણાવાયું છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન નામાંકિત કલાકારો વિશાલભાઈ ગઢવી, વંદનાબેન ગઢવી, જીગ્નેશભાઈ ગઢવી અને દેવલબેન ગઢવી દ્વારા માતાજીની આરાધના સાથે પરંપરાગત ગરબાની રજૂઆત કરવામાં આવશે. ગુજરાતી લોકસંગીત અને ગરબાની આગવી છટા સાથે ખેલૈયાઓ તથા ભક્તોને નવરાત્રીના રંગમાં રંગાઈ જવા માટેનું આ આયોજન પ્લેટફોર્મ બની રહેશે.
આયોજન અંતર્ગત ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ મહોત્સવમાં પરંપરાગત ગરબા સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળશે. મહોત્સવને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ અને સુસજ્જ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં હજારો ખેલૈયાઓ એકસાથે ગરબે રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આકર્ષક સાઉન્ડ અને લાઇટિંગ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. પરંપરાગત ઢોલના તાલ સાથે આધુનિક સાઉન્ડ સિસ્ટમનો સમન્વય ખેલૈયાઓ અને ભક્તો માટે ઉત્સવના માહોલને વધુ આનંદમય બનાવશે.
મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને વ્યવસ્થાને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલાઓ, બાળકો અને પરિવારજનો માટે સુરક્ષિત વાતાવરણ જળવાઈ રહે તે માટે CCTV કેમેરા, સિક્યોરિટી સ્ટાફ અને બાઉન્સર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી વિગતો અપાઈ હતી.
મુલાકાતીઓની સુવિધા માટે સુવ્યવસ્થિત પાર્કિંગ ઝોન ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે માટે પણ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. તેમજ કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફર્સ્ટ-એડ, તબીબી સુવિધા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તેવું કહેતા આયોજકો દ્વારા ઉમેરાયું હતું કે, “આ નવરાત્રીના આયોજનમાં અદાણી ફાઉન્ડેશન માત્ર નિમિત્ત છે, પરંતુ આ નવરાત્રી લોકો માટે અને લોકો દ્વારા યોજાવાની છે. મા અંબાની આરાધના સાથે સૌ કોઈ ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવપૂર્વક નવરાત્રીનો આનંદ માણે તે અમારો મુખ્ય હેતુ છે.”
આયોજકોએ ખેલૈયાઓ અને દર્શકોને અપીલ કરી છે કે નવરાત્રી દરમિયાન સૌ કોઈ શિસ્ત અને વ્યવસ્થા જાળવે તેમજ પોતાની સાથે અન્ય લોકોની સલામતીનું પણ ધ્યાન રાખે. મહોત્સવને સુચારૂ રીતે પાર પાડવા માટે આયોજકો દ્વારા કરવામાં આવતી વ્યવસ્થામાં સૌ નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.
અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આપણી પૌરાણિક અને સમૃદ્ધ ગુજરાતી સંસ્કૃતિ તથા પરંપરાઓને જાળવી રાખીને સૌ નાગરિકો માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને યાદગાર નવરાત્રીનું નિર્માણ કરવાનો અમારો પ્રયાસ છે.

